‘બજરંગી ભાઈજાન’ બાદ દમદાર ‘સુલતાન’

મુંબઇઃ સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘સુલતાન’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે, તેના ફેન્સ લાંબા સમયથી તેની રાહ જોતા હતા. અા વર્ષે ઈદ પર રિલીઝ થનાર અા ફિલ્મની સફળતા પર કોઈ શંકા નથી. ચર્ચા તો એ વાતની છે કે શું અા ફિલ્મ ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થશે. ‘સુલતાન’નું ટ્રેલર જબરદસ્ત છે અને કહાણીની ઝલક તેમાં મળી અાવે છે. ‘બજરંગી ભાઈજાન’ બાદ સલમાન પોતાની ફિલ્મોની કહાણી પર ખાસ ધ્યાન અાપવા લાગે છે. ‘સુલતાન’ પણ એ રીતે દમદાર ફિલ્મ દેખાય છે.
અા એક અન્ડરડોગની કહાણી છે, જે તમામ વિપરીત પરિસ્થિતિમાં અાગળ વધે છે. અન્ડરડોગની કહાણી હંમેશાં બધાંને પસંદ પડતી હોય છે. ‘સુલતાન’ પણ એ અાશાઓ પર ખરી ઊતરી છે. અા ઉપરાંત સલમાન અને અનુષ્કાનો જબરદસ્ત રોમાન્સ પણ અા ફિલ્મમાં જોવા મળશે. સલમાન ખાનની ફિલ્મોમાં હીરોઈનો માટે ખાસ સ્કોપ હોતો નથી, પરંતુ અનુષ્કા શર્મા ‘સુલતાન’માં મહત્ત્વપૂર્ણ રોલ કરવા જઈ રહી છે. તે ખુદ પહેલવાનની ભૂમિકામાં છે, જે છોકરાઓ સાથે અખાડામાં કુસ્તી કરે છે.
અા ફિલ્મ એક કુસ્તીના ખેલાડી પર છે, તેથી તેમાં કુસ્તીના દાવપેચ જોવા મળશે. કુસ્તી એક ભારતીય રમત છે અને અાપણી માટી સાથે જોડાયેલી હોવાના નાતે ફિલ્મની પહોંચ વધુ દર્શકો સુધી છે. હવે ફાઈટિંગ સીનમાં પણ ઘણાં પરિવર્તન જોવા મળ્યાં છે. ‘સુલતાન’માં સલમાન માટે પણ ફાઈટિંગ સીન છે, જે એકદમ રિયલ લાગશે. ‘સુલતાન’ માટે સલમાને કુસ્તી અને માર્શલ અાર્ટની ટ્રેનિંગ લીધી છે. તે ત્રણ કલાક સવારે અને ત્રણ કલાક સાંજે ટ્રેનિંગ લેતો હતો અને બાકીના સમયમાં શૂટિંગ કરતો હતો. સલમાને જણાવ્યું કે મારા માટે અા થકવી દેનારો અનુભવ હતો. મેં કોઈ ફિલ્મ માટે અાટલો પરસેવો વહાવ્યો નથી. ટ્રેલર જોઈને મોટા ભાગના લોકોનું અનુમાન છે કે સલમાનની ‘સુલતાન’ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી દેશે.

You might also like