મતદાન બાદ ઈવીએમના તમામ સ્ટ્રોંગરૂમ પર રહેશે બાજ નજર

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન થયા બાદ ઈવીએમ અને વીવીપેટ સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવે છે. પહેલી વાર આ ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થામાં માત્ર પોલીસ હોમગાર્ડ અને પેરા મિલિટરી ફોર્સના જવાનો જ નહીં પણ સીસીટીવી કેમેરાની વોચ રહેશે.

પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂરું થયા પછી વીવીપેટ અને ઈવીએમની જાળવણી માટે પહેલીવાર સ્ટ્રોંગ રૂમમાં ૨૪ કલાક કાર્યરત નાઈટ વિઝન કેમેરા મૂકવામાં આવ્યા છે.જે ૧૪મી ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણીના મતદાન બાદ પણ મૂકાશે. સ્ટ્રોંગ રૂમની અંદર અને બહાર બંને તરફ સીસીટીવી લગાવી દેવાયા છે. સ્ટ્રોંગ રૂમની બહાર અત્યારથી જ પોલીસ જાપ્તાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યની ૨૧ વિધાનસભા બેઠકના ઉમેદવારોનું ભાવિ ૧૪ ડિસેમ્બરે ઈવીએમમાં સીલ થશે. શહેર અને જિલ્લાના ચૂંટણી સ્ટાફ દ્વારા તમામ ઈવીએમ અને વીવીપેટને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં પોલીસ જાપ્તા હેઠળ પોલિટેકનિક કોલેજ અને એલડી એન્જિનિયરિંગ ખાતે મૂકવામાં આવશે.

આ કેમેરામાં ઓડિયો રેકોર્ડિંગ પણ ચાલુ રહેશે. ચૂંટણી બંદોબસ્ત માટે ITBPFની ૧૪ કંપની અમદાવાદ પહોંચી ચુકી છે. ચૂંટણી સમયે પેરા મિલિટરીની ૭૦થી વધુ કંપનીઓ પણ ગોઠવાશે. દરેક રાજ્યમાં જુદા જુદા સમયે યોજાતી વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક પોલીસ બધે પહોંચી શકતી નથી.

તેથી અન્ય રાજ્યની પોલીસ તથા આર્મી સીઆરપીએફ, એસઆરપી, બીએસએફ અને આટીબીપી (ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ) તહેનાત રહે છે. પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયા બાદ આ તમામ પોલીસ ફોર્સને બીજા તબક્કાનાં મતદાનનાં સ્થળોએ ગોઠવી દેવાય છે.

You might also like