દારૂના દરોડા બાદ ફરાર મહિલા કોર્પોરેટરનો ભત્રીજાે પકડાયો

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં દારૂનો વેપાર કરતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના ભત્રીજા મનીષ ગઢિયાની પોલીસે ધરપકડ કરી છે. નિકોલ પોલીસે મનીષની પૂછપરછ કરતાં નરોડાના બુટલેગર પાસેથી દારૂનો જથ્થો વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી છે.

મારો પતિ દારૂ પીને મને મારી રહ્યો છે તેવો પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ નિકોલ ગામમાં આવેલ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહી પરિણીતાએ કર્યો હતો. કંટ્રોલમાં મેસેજ મળતાં પોલીસ તાત્કાલીક ગોકુલ એપાર્ટમેન્ટ પહોંચી. જ્યાં દારૂડિયો પતિ ના મળ્યો પરંતુ તે જ સોસાયટીમાં રહેતો વિપુલ વિઠ્ઠલભાઇ કૂકડિયા બેગમાં દારૂની બોટલો લઇને જતો હતો. પોલીસે શંકાના આધારે તેની અટકાયત કરી અને તેની જડતી લેતાં તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી.

નિકોલ પોલીસે વિપુલની પૂછપરછ કરી તો આ દારૂ તેના જ પડોશમાં રહેતો અને કોંગ્રેસના કોર્પોરેટર ગીતાબહેન પટેલના ભત્રીજા મનીષ બિપિનભાઇ ગઢિયા પાસેથી ખરીદીને લાવ્યો હોવાનું જણાવ્યું હતું. વિપુલે આપેલી વિગતના આધારે મનીષના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને 117 નંગ વિદેશી દારૂની બોટલ અને ચાર બિયરનાં ટીન મળ્યાં હતાં. પોલીસ રેડ કરવા આવે છે તેવી વિગત મળતાં મનીષ તેની નાની બહેનને મુકીને ફરાર થઇ ગયો હતો. આ મામલે આઇ ડિવિઝનના એસીપી એસ.એસ.રઘુવંશીએ જણાવ્યું છે કે મનીષની ગઇ કાલે પોલીસે ધરપકડ કરી છે તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે નરોડાના એક બુટલેગર પાસેથી તે દારૂનો જથ્થો લાવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like