સાંસદનું નિધન થવા છતાં આ કારણે મોદીએ બુધવારે જ રજૂ કર્યું બજેટ

નવી દિલ્હીઃ સરકારે બુધવારે વિપક્ષના ભારે વિરોધ બાદ પણ બજેટ રજૂ કર્યું. પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના લોકસભાના સાંસદ ઇ અહેમદનું મંગળવારે રાત્રે હોસ્પિટલમાં નિધન થયું હતું. જેને કારણે વિપક્ષે બજેટ એક દિવસ ટાળવાનું કહ્યું હતું. પરંતુ લોકસભા સ્પીકર અને રાષ્ટ્રપતિએ બજેટની મંજૂરી આપી દેતા નાણાપ્રધાને સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. જો કે વિપક્ષના વિરોધની વચ્ચે સરકાર તો બુધવારે જ બજેટ રજૂ કરવા માટે મક્કમ હતી. કારણકે નાણાપ્રધાન અરૂણ જેટલીએ બજેટના એક દિવસ પહેલાં ભાષણમાં કહ્યું હતું કે વસંત પંચમીથી ઉત્તમ દિવસ કોઇ જ ન  હોઇ શકે.

આ ઉપરાંત સરકારને એ ડર હતો કે જો મોડું કરવામાં આવશે તો બજેટ લીક થઇ જશે, કારણકે વિતરણ માટે તેનું પ્રિટિંગ કરવાનું શરૂ થઇ ગયું હતું. પાર્લામેન્ટ ડેટા પ્રમાણે 31 જુલાઇ 1974માં સ્પીકર ગુરદિયાલ સિંહે મંત્રી એમબી રાણાના નિધન બાદ પણ સંસદ સ્થગિત કરવામાં આવી ન હતી. સ્પીકરે તાત્કાલિક નાણાપ્રધાન વાય બી. ચૌહાણને બજેટ રજૂ કરવાની પરવાનગી આપી હતી. આ ઉપરાંત 19 એપ્રિલ 1954માં સાંસદ જે.પી. સોરેનનું નિધન રેલવે બજેટના દિવસે જ થયું હતું. પરંતુ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી ન હતી. બંને વખતે શોકસભા માટે ચોક્કસ સમય નિકાળવામાં આવ્યો હતો. પરંતુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અહેમદને મંગળવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના બજેટ સત્રના સંબોધન વખતે જ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

http://sambhaavnews.com/

You might also like