આનંદોઃ ઘણી રાહ જોવડાવ્યા બાદ હવે ડુંગળીના ભાવ ઘટ્યા

અમદાવાદ: ગુજરાત સહિત મહારાષ્ટ્રના ગરમીની સિઝન શરૂ થતાં જ માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલખ આવક આવવાની શરૂ થઇ ગઇ છે. એક મહિના પૂર્વે મહારાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળીનો ભાવ રૂ. ૬૦૦થી ૭૦૦ હતો, જે હાલ ઘટીને અડધો એટલે કે રૂ. ૩૦૦થી ૩૫૦ના મથાળે પહોંચી ગયો છે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર બાજુથી સ્થાનિક બજારમાં આવતી ડુંગળીનો ભાવ રૂ. ૨૦૦થી ૨૫૦ની નજીક પહોંચ્યો છે, જેના પગલે છૂટકમાં પણ ડુંગળીના ભાવમાં મોટાં ગાબડાં પડ્યાં છે.

માત્ર એક જ મહિના પૂર્વે ૪૦થી ૫૦ રૂપિયે કિલોના ભાવે જોવા મળતી ડુંગળીના ભાવ ઘટીને હાલ રૂ. ૨૫થી ૩૦ના મથાળે પહોંચી ગયેલા જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના નાસિકના માર્કેટયાર્ડમાં પણ ડુંગળીની બમ્પર આવક નોંધાતી જોવા મળી છે અને તેના પગલે ભાવ આઠ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે.

દરમિયાન હોળી બાદ ઉનાળુ આવક આવવાની ચાલુ થઇ જવાની શક્યતાઓ પાછળ પણ ડુંગળીના ભાવમાં વધુ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી શકે છે તેવો મત સ્થાનિક માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા વ્યક્ત કરાયો છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતના સમયગાળામાં મહારાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન થવાથી ભાવમાં અપ ટ્રેન્ડ જોવા મળ્યો હતો અને ૨૦ કિલોના ભાવ રૂ. ૬૦૦થી ૭૦૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવાયા હતા. રિટેલમાં પણ તેની અસર જોવા મળી હતી.

માર્કેટયાર્ડના હોલસેલ વેપારીઓના કહેવા પ્રમાણે દિવાળી બાદ આવક ઓછી હતી. એટલું જ નહીં વરસાદના કારણે પણ આવક ઉપર અસર નોંધાઇ હતી અને તેના કારણે ઘણા સમયથી ભાવ ટકેલા જોવા મળતા હતા અને ઘટવાનું નામ લેતા ન હતા, પરંતુ જેમ જેમ ગરમીની શરૂઆત થતાં અને નવી આવકની શરૂઆત થતાં જ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ તૂટ્યા છે.

You might also like