લાંબા સમયની પ્રતીક્ષા બાદ શહેરમાં વરસાદનાં અમી છાંટણાં થયાં

અમદાવાદછ શહેરમાં લાંબા સમય બાદ આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતું. સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ ન દેખાયો, પરંતુ આજથી ફરીથી વરસાદી વાદળે જમાવટ કરતાં માહોલ ખુશનુમા બન્યો છે. દરમિયાન સ્થાનિક હવામાન કચેરી દ્વારા શહેરમાં આગામી તા.૧૩ ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે.

શહેરમાં આજે સવારથી ચોમાસાની આહ્લાદક સવાર ઊગી હતી. વરસાદી વાદળની પાછળ સૂર્યનારાયણ ઢંકાઇ ગયા હતા. જ્યારે સેટેલાઇટ, વેજલપુર સહિતના શહેરના અમુક વિસ્તારમાં ઝરમર વરસાદ પણ નોંધાયો હતો. હવામાનમાં આવેલા અચાનક ફેરફારના કારણે શહેરનું લઘુતમ તાપમાન રપ.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી ઓછું હતું.

દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે આગામી તા.૧૩ ઓગસ્ટ સુુધી શહેરમાં ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદની શક્યતા છે. જ્યારે દ‌િક્ષણ ગુજરાતના વલસાડ, નવસારી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારો તેમજ દમણ, દાદરા-નગરહવેલી વિસ્તારમાં આવતી કાલથી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરાઇ છે.

આની સાથે-સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દીવમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યના આ વિસ્તારોમાં આગામી તા. ૧૧ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે.

You might also like