આઠ વર્ષ બાદ CSK છોડીને કેપ્ટન કૂલ ધોની ક્યાં જશે?

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને ચેન્નઈ સુપર કિંગ્સનાે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઇપીએલની નવી હરાજીમાં સૌથી મોટું નામ છે, જોકે તેના ઉપરાત પણ ઘણા મોટા ક્રિકેટર છે, જે આ હરાજીમાં નવી ટીમો સાથે જોડાશે. સુરેશ, રૈના, અજિંક્ય રહાણે, કિવી કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ અને આર. અશ્વિન સહિત ઘણા દિગ્ગજો છે. ધોની આઇપીએલની પહેલી સિઝન ૨૦૦૮થી જ ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે.
આઇપીએલની પહેલી બોલીમાં ધોની રૂ. ૭.૫ કરોડમાં વેચાયો હતો. એ વખતે તે સૌથી મોંઘા ભાવે વેચાનારો ખેલાડી બન્યો હતો.

આઇપીએલની બધી જ આઠ સિઝનમાં એક જ ટીમમાં કેપ્ટન તરીકે રહેવાની તેની ઉપલબ્ધિ અન્ય ક્રિકેટર્સ પર ભારે પડે છે.
આઇપીએલ ૨૦૧૩ના સ્પોટ ફિક્સિંગ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી જસ્ટિસ લોઢા કમિટીના ચુકાદા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ પર બે વર્ષનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ચેન્નઈ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ પણ ટૂર્નામેન્ટમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત છે.
આઠ ડિસેમ્બરે એ વાત પરથી પડદો ઊઠી જશે કે આઇપીએલમાં બે ખાલી સ્થાન પર કોનો નંબર લાગશે.

જોકે ટીમની બોલી લગાવનારાં શહેરોમાંથી જયપુર અને કોચ્ચીને હટાવી દેવામાં આવ્યાં છે. બોલી માટે નવ શહેર પસંદ કરવામાં આવ્યાં છે. નવી ફ્રેંચાઇઝી માટે આઇપીએલમાં નામાંકન માટે ૧૫થી ૪ ડિસેમ્બર સુધીનો સમય નક્કી કરાયો છે. હરાજીની બેઝ પ્રાઇઝ રૂ. ૪૦ કરોડ નક્કી કરવામાં આવી છે. આઇપીએલની હરાજીમાં ફક્ત ચેન્નઈ અને રાજસ્થાન જ નહીં, બધી ટીમના ખેલાડી સામેલ થશે. આઇપીએલ કમિશનર રાજીવ શુક્લા કહી ચૂક્યા છે કે ૮ ડિસેમ્બરે યોજાનારી હરાજી વર્ષ ૨૦૧૭ સુધી એટલે કે બે વર્ષની સમયમર્યાદા માટે હશે.

You might also like