પૂંછમાં પાક. દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન, જવાનોના મોત નહીં થતા પાકિસ્તાન અકળાયું

જમ્મૂ-કશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને વધુ એક વખત ફાયરિંગ કર્યું હતું અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. મંગળવારે સાંજે પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતીય ચોકી પર રહેલા એક કેપ્ટન ઘાયલ થયા છે અને તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મંગળવારે સાંજે પૂંછ સેક્ટરના ચાકન દા બાગ વિસ્તારમાં LOC ચોકી પર પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જો કે ભારતીય જવાનોએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. મોડી રાત સુધી બંને દેશો વચ્ચે ફાયરિંગ ચાલ્યું હતું. જો કે કોઈ ભારતીય જવાનનું મોત નહીં થતા પાકિસ્તાન વધુ ઉશ્કેરાયું હતું.

જો કે એક દિવસ પહેલા જ ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના એક મેજર સહિત સાત જવાનો માર્યા ગયા હતા અને ચાર જવાનો ઘાયલ થયા હતા. જે ભારતીય સેના માટે ઉપલબ્ધિ હતી.

ઉલ્લેખનીય છે કે ભારતીય આર્મી જે રીતે કાર્યવાહી કરી છે, તેનાથી પાકિસ્તાન હડબડી ગયું છે. આપણા ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ જણાવ્યું હતું કે, સરહદ પારથી આવતા આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવશે.

હાલમાં જમ્મુ કાશ્મીરમાં પણ ભારતીય સેના દ્વારા સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેનાથી પાકિસ્તાની આતંકીઓની કમર તૂટી ગઈ છે. સેના પ્રમુખ બિપિન રાવતે પણ કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. જેનાથી ભારતીય જનતા ખુશ છે.

You might also like