34 દિવસ બાદ મેઘાલયની ખાણમાંથી એક મજૂરનો મૃતદેહ મળ્યોઃ ૧૪ માટે સર્ચ જારી

728_90

શિલોંગ: મેઘાલયના પૂર્વીય જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલ ગેરકાયદે કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરો માટે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના ૩૪મા દિવસે ઈન્ડિયન નેવીના ડાઈવર્સને લગભગ ૨૦૦ ફૂટની ઊંડાઈએ એક મજૂરનો મૃતદેહ મળી આવ્યો છે. બાકીના મજૂરો માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. આ ગેરકાયદે ખાણમાં ૧૫ જેટલા મજૂરો ફસાઈ ગયા હતા.

ઈન્ડિયન નેવીના અધિકારીઓએ જણાવ્યું હતંુ કે એક મજૂરનો મૃતદેહ મળી આવ્યો છે અને બાકીના મજૂરો માટે સર્ચ ઓપરેશન જારી છે. ઈન્ડિયન નેવીના ડાઈવર્સે અંડરવોટર આરઓવીનો ઉપયોગ કરીને ખાણની ૨૧૦ ફૂટ અંદરથી એક મૃતદેહ શોધી કાઢ્યો છે.

ગઈ સાલની ૧૩ ડિસેમ્બરથી અંદર ફસાયેલા ૧૫ મજૂરો શોધવા માટે કવાયત ચાલી રહી છે. આ માટે હેવી કેપિસિટીના બે સબમર્સિબલ પમ્પ દ્વારા મુખ્ય સાફટમાંથી પાણી કાઢવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આ કોશિશ નિષ્ફળ રહી હતી. નેવી સાથે એનડીઆરએફના ડાઈવર્સ પણ આ બચાવ અભિયાનમાં મદદ કરી રહ્યા છે. આ ટુકડીને રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ત્રણ હેલ્મેટ મળી હતી.

હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓ ફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સીએસઆઈઆર અને ગ્રે‌િવટી ફંડ મેગ્નેટિક ગ્રૂપના નિષ્ણાતોની એક ટીમ પણ બચાવકાર્યમાં લાગેલી છે. ૩૭૦ ફૂટ ઊંડી ખાણમાંથી એક કરોડ ‌િલટર પાણી બહાર કાઢવામાં આવ્યું છે. આ ઉપરાંત આસપાસની અન્ય ખાણમાંથી પણ બે કરોડ ‌િલટર પાણી બહાર કાઢવામાં આવ્યું છે. ઓડિશા ફાયર સેફ્ટીની ટીમ ઉપરાંત ખાનગી કંપની કિર્લોસ્કરની ટીમ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૩ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ૩૭૦ ફૂટ ઊંડી કોલસાની ખાણમાં નદીનું પાણી ભરાઈ જવાથી સુરંગનો રસ્તો બંધ થઈ ગયો હતો અને ત્યારથી તેમાં ફસાયેલા ૧૨ ખાણ મજૂરને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે.

You might also like
728_90