દસ વર્ષના પ્રેમસંબંધ બાદ યુવકે પરિણીત હોવાનું કહી લગ્નની ના પાડી

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાને રૂપિયા કમાવવાની લાલચ આપીને યુવકે અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકે મહિલાની ક્લિપ ઉતારીને તેની પાસેથી દસ લાખ રૂપિયા માગીને બ્લેકમેલ કરતો હોવાનું પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાએ યુવકની બ્લેકમેલિંગથી કંટાળીને ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષિય મીનાબહેન (નામ બદલ્યું છે) તેમનાં પતિ અને બે સંતાનો સાથે રહે છે. વર્ષ ૨૦૦૮માં મીનાબહેનના પતિનો અકસ્માત થયો હોવાથી તેમને બંને પગે ફેક્ચર થયું હતું. જેમાં ઓપરેશન કરીને સળિયા નાખ્યા હતા. મીનાબહેનના પતિ દોઢ વર્ષ સુધી પથારીવશ રહેલા હોવાથી તેમને નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઇ હતી.

મીનાબહેને રૂપિયા કમાવવા માટે બોડકદેવ વિસ્તારમાં આવેલી બી.એ.કંપનીમાં સ્ટડી માટે બ્લડ આપવાનું શરૂ કર્યું હતું. તે સમયે બી.એ.કંપનીમાં કામ કરતી હીનાબહેન સાથે સંપર્ક થયો હતો. હીનાબહેનેે વધુ રૂપિયા કમાવવા માટે મીનાબહેનની મુલાકાત કરણસિંહ અભુજી ચાવડા (રહે ચાણક્યપુરી) સાથે કરાવ્યો હતો.

કરણસિંહે શરૂઆતમાં મીનાબહેનને અલગઅલગ જગ્યાએ નોકરી અપાવવા માટે લઇ ગયો હતો અને ત્યારબાદ તેને સ્ત્રીબીજ ડોનેટ કરવા ઉપરાંત અને સરોગેટ મધર બનવા માટે તૈયાર કરી હતી.

કરણસિંહ અવારનવાર મીનાબહેનના ઘરે આવતો હતો અને હું કુવારો છું તારી સાથે લગ્ન કરી લઇશ તેમ કહીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. કરણસિંહ મીનાબહેનને અલગ અલગ જગ્યાએ લઇ ગયો હતો અને ૬૫ વખત સ્ત્રીબીજ ડોનેટ કરાવ્યાં હતાં અને શ્યામલ ચાર રસ્તા પાસે એક હોસ્પિટલમાં લઈ જઈ સરોગેટ મધર બનવા તૈયાર કરી હતી.

સરોગેટ મધર બનવાના મીનાબહેનને ચાર લાખ રૂપિયા મળ્યા હતા. જેમાં ત્રણ લાખ રૂપિયા કરણસિંહે લઇ લીધા હતા અને એક લાખ રૂપિયા તેમને આપ્યા હતા. દસ વર્ષના સંબંધ બાદ મીનાબહેને કરણસિંહ સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. જોકે તેને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને તે પરણેલો છે તેવું જણાવ્યું હતું. ત્રણ મહિના પહેલા કરણસિંહે મીનાબહેનને ગાંધીનગર બોલાવ્યાં હતાં જ્યાં એક હોટલમાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યાે હતાે. જેની અશ્લીલ ક્લિપ કરણસિંહે ઉતારી લીધી હતી.

મીનાબહેનની અશ્લીલ ક્લિપ ઉતારીને કરણસિંહે તેમને ધમકી આપી હતી કે જો તું મારા વિરુદ્ધમાં કેસ કરીશ તો તને બદનામ કરી દઇશ અને જો તારે બદનામ થવું ના હોય તો તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે અને મારા ભાઇ વિજયસિંહ સાથે પણ તારે સંબંધ રાખવા પડશે.

છેલ્લા ત્રણ મહિનાથી મીનાબહેન પાસે કરણસિંહ દસ લાખ રૂપિયા માગી રહ્યો છે અને રૂપિયા ના આપવા હોય તો તેની પુત્રીને એક રાત મોકલી આપવાનું કહેતો હતો. કરણસિંહની ધમકીઓથી કંટાળીને ગઇ કાલે મીનાબહેને ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. મીનાબહેને આ મામલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરી છે. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

You might also like