અરુણાચલના ત્રણ જિલ્લા અશાંત જાહેરઃ કેન્દ્રએ અફસ્પા લાગુ કર્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓને અશાંત જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લાને અશાંત જાહેર કરીને કેન્દ્ર સરકારે ત્યાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એકટ (અફસ્પા) તાત્કાલિક અસરથી લાગુ પાડી દીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને આ સંદર્ભમાં એક સત્તાવાર નોટિફિકેશન પણ જારી કરી દીધું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવાયું છે કે અરુણાચાલ પ્રદેશના ત્રણ જિલ્લા- તિરપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લાને અશાંત જાહેર કરવામાં આવે છે. આ નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે અરુણાચલ પ્રદેશની આસામ સરહદે આવેલા લગભગ આઠ પોલીસ સ્ટેશન હેઠળના કેટલાક વિસ્તારોને પણ અશાંત જાહેર કરવામાં આવ્યા છે. આમ ત્રણ જિલ્લા ઉપરાંત અન્ય કેટલાક વિસ્તારો પણ અશાંત જાહેર કરાયા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાના નોટિફિકેશનમાં વધુમાં જણાવ્યું છે કે તિરપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લા અને આસામ સરહદે આવેલા આઠ પોલીસ સ્ટેશનના વિસ્તારોનેે અશાંત જાહેર કરવામાં આવ્યા છે.

આ સંજોગોમાં અફસ્પા એકટ ૧૯પ૮ની કલમ-૩ હેઠળ મળેલી ખાસ સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકાર આ વિસ્તારોમાં ૩૧ માર્ચ, ર૦૧૯ સુધી અફસ્પા લાગુ કરવાની જાહેરાત કરે છે.

આ જોગવાઇ ૧ ઓકટોબર, ર૦૧૮થી અમલી થયાનું માનવામાં આવશે. આ અગાઉ આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ ૩૦ ઓગસ્ટના રોજ રાજ્યમાં અફસ્પાનો અમલ વધુ છ મહિના માટે લંબાવી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અફસ્પા હેઠળ અશાંત જાહેર કરવામાં આવતા વિસ્તારો માટે સુરક્ષાદળોને ખાસ સત્તાઓ આપવામાં આવે છે.

આ કાયદા હેઠળ સુરક્ષાદળોને સર્ચ ઓપરેશન હાથ ધરવા, જડતી લેવા, ધરપકડ કરવા અને બળપ્રયોગ કરવા જેવા કિસ્સાઓમાં સામાન્ય કરતાં વધુ સ્વતંત્રતા અને સત્તા પ્રાપ્ત થાય છે.

You might also like