વર્લ્ડકપ ક્વોલિફાયરઃ અફઘાનિસ્તાને વિન્ડીઝને હરાવી ખિતાબ જીતી લીધો

હરારેઃ આગામી વર્ષે યોજાનારા વિશ્વકપ માટે પહેલાથી જ પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકેલી અફઘાનિસ્તાની ટીમે ગઈ કાલે આનો જશ્ન વિશ્વકપ ક્વોલિફાયરનો ખિતાબ જીતી લઈને મનાવ્યો. મોહંમદ શહજાદની શાનદાર ઇનિંગ્સના દમ પર ક્વોલિફાઇંગ ફાઇનલમાં અફઘાનિસ્તાને વિન્ડીઝને સાત વિકેટે માત આપી હતી.

આ દરમિયાન અફઘાનિસ્તાનના ૧૯ વર્ષીય યુવા લેગ સ્પિનર રાશિદ ખાને વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી મેચોમાં ૧૦૦ વિકેટ ઝડપનારો બોલર પણ બની ગયો. તેણે ૪૪મી મેચ રમતાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી. ઓસી.ના સ્ટાર્કના નામે આ રેકોર્ડ હતો, તેણે આ સિદ્ધિ બાવન મેચમાં હાંસલ કરી હતી.

પહેલી બેટિંગ કરતાં વિન્ડીઝની ટીમ ૪૬.૫ ઓવરમાં ૨૦૪ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. સૌથી વધુ ૪૪ રન રોવમેન પોવેલે બનાવ્યા હતા, જ્યારે અફઘાનિસ્તાનના ૧૬ વર્ષીય બોલર મુજીબ ઉર રહેમાને ૪૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં ઓપનિંગ બેટ્સમેન શહજાદના ૯૩ બોલમાં ૮૪ રનની મદદથી અફઘાનિસ્તાને ૯.૨ ઓવર બાકી હતી ત્યારે જ મેચ જીતી લીધી હતી.

શહજાદની ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા સાથેની આ ઇનિંગ્સના દમ પર અફઘાનિસ્તાને ૪૦.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૬ રન બનાવી મેચ અને ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આ ટૂર્નામેન્ટ દ્વારા અફઘાનિસ્તાન અને વિન્ડીઝની ટીમ આગામી વર્ષે રમાનારા વિશ્વકપમાં ક્વોલિફાય કરી ચૂકી છે.

You might also like