અફઘાનીઓ બોલી રહ્યા છે, ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ…’

કાબુલઃ આઇપીએલની દસમી સિઝનમાં પહેલી વાર બે અફઘાન ખેલાડીઓની પસંદગી સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. લોકો ફેસબુક અને ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને વધી રહેલી ભારત-અફઘાનિસ્તાનની મિત્રતાની પ્રશંસા કરી રહ્યા છે. ગઈ કાલની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અફઘાન ટીમના બે ખેલાડી રાશિદ ખાન અને મોહંમદ નબીને ખરીદ્યા. એમાંય ઓલરાઉન્ડર રાશિદ ખાનને ચાર કરોડમાં ખરીદવો એ સૌથી ચોંકાવનારી વાત રહી. આ સમાચાર મળતાં જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સત્તાવાર ફેસબુક પેજ પર રાશિદની એક મોટી તસવીર પોસ્ટ કરી, જેના પર લખ્યું હતું, ”રાશિદ ખાન ચારસો લાખ રૂપિયામાં વેચાયો.”

અફઘાન મીડિયાએ પણ આ સમાચારને જોરદાર મહત્ત્વ આપ્યું. સોશિયલ સાઇટ પર પણ કોમેન્ટનો વરસાદ વરસ્યો. એક યુઝરે ભારતને ધ્યાનવાદ આપતાં લખ્યું, ”આ ખુશખબરીએ મને રડાવી દીધો… આ સમગ્ર અફઘાનિસ્તાન માટે ગર્વની વાત છે.” જ્યારે એમાલ શાહિદજઈ નામનો ચાહક કહે છે, ”આ વખતની આઇપીએલ જોવી મજેદાર રહેશે. હિન્દુસ્તાન ઝિંદાબાદ…હિન્દુસ્તાન-અફઘાનિસ્તાન દોસ્તી ઝિંદાબાદ.” ખુદ મોહંમદ નબીએ ટ્વિટ કર્યું છે, ”ટીમ સનરાઇઝર્સમાં સામેલ થઈને હું મારી જાતને આસમાનમાં ઊડતો અનુભવું છું.”
http://sambhaavnews.com/

You might also like