ફિલ્મ રિવ્યૂ: ‘અય દિલ હૈ મુશ્કિલ’

બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ મેકર કરણ જોહર ફરી એક વાર પોતાની નવી રોમેન્ટિક ફિલ્મ ‘અય દિલ હૈ મુશ્કિલ’ને લઈને તૈયાર છે. અા ફિલ્મ બનતા અને વણસતા સંબંધો અને ભાવનાઅોની કહાણી છે. ત્રણ વર્ષ બાદ કરણ જોહર એક નિર્દેશકના રૂપમાં પરદા પર પાછો અાવ્યો છે. અા પહેલાં ૨૦૧૨માં અાલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનને લઈને ‘સ્ટુડન્ટ અોફ ધ યર’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. અા ફિલ્મનું મુખ્ય અાકર્ષણ રણબીર કપૂર અને અૈશ્વર્યા રાયની જોડી છે. અેવું પહેલી વાર બન્યું છે જ્યારે ૪૨ વર્ષની અૈશ્વર્યા રાય ૩૪ વર્ષના રણબીર કપૂર અને અનુષ્કા શર્મા સાથે કામ કરી રહી છે એટલું જ નહીં, અૈશ્વર્યા પહેલી વાર કરણ જોહર સાથે કામ કરી રહી છે. કરણે ૧૯૯૮માં ‘કુછ કુછ હોતા હૈ’, ૨૦૦૧માં ‘કભી ખુશી કભી ગમ’ અને ૨૦૦૬માં ‘કભી અલવિદા ના કહના’ જેવી ફિલ્મોમાં અૈશ્વર્યાને સાઈન કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમ થઈ શક્યું ન હતું.

અા ફિલ્મ હિન્દુ યુવક અયાન (રણબીર કપૂર), સબાતલિયાર ખાન (અૈશ્વર્યા રાય બચ્ચન) અને મુસ્લિમ યુવતી અલી જેહ (અનુષ્કા શર્મા)ની કહાણી છે. અયાન અને અલી જેહની વચ્ચે મસ્તીભરી દોસ્તીની સાથે અા સફર શરૂ થાય છે, પરંતુ અલી જેહની જિંદગીમાં તેનો પૂર્વ પ્રેમી અલી (ફવાદ ખાન) ફરી પરત ફરે છે અને બધી જ વસ્તુઅો જટિલ બને છે. અયાન અેક વાર ફરી સબામાં દિલાસો શોધવાની કોશિશ કરે છે. શું સંબંધોનું અા મિલન એકબીજાને ખુશી અાપી શકશે. અયાન અને સબા એક વાર ફરી મળશે કે બંને અલગ થઈ જશે.

રણબીર કપૂર એક સિંગર છે અને તે સિંગિંગના ક્ષેત્રમાં અાગળ વધવા ઇચ્છે છે. અનુષ્કા શર્મા તેની બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં પણ બંને પોતપોતાની દુનિયામાં રહે છે. કોઈ પણ વ્યક્તિ અા બંનેને જોઈને એવું માની લે કે અા નવપરિણીત યુગલ હશે, પરંતુ લગ્નના નામથી બંને ભાગે છે. અનુષ્કા અને રણબીર બંને લગ્ન માટે તૈયાર થાય છે. એવો એક તબક્કો અાવે છે અને ત્યારે જ બંનેનો ભૂતકાળ તેમની સામે અાવે છે. •

You might also like