વકીલે બીજાં લગ્ન કરવા છૂટાછેડાના બોગસ દસ્તાવેજ બનાવી દીધા!

અમદાવાદ: શહેરના છેવાડે આવેલા મણિપુર ગામમાં રહેતા વકીલે પરિવારજનોના દબાણમાં આવી પત્નીને છૂટાછેડા આપ્યાના નકલી દસ્તાવેજ બનાવીને અન્ય યુવતી સાથે સંબંધ નક્કી કરી દીધો હતો, જોકે યુવતીના કોન્સ્ટેબલ ભાઇએ છૂટાછેડા અંગે તપાસ કરતાં છૂટાછેડા ન થયા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે વકીલની પત્નીએ બોપલ પોલીસ સ્ટેશન તેમજ રેન્જ આઇજી સહિતના અધિકારીઓને વારંવાર અરજી કરવા છતાં તેમણે ફરિયાદ ન લીધી હતી. બાદમાં પોલીસવડા ગીથા જોહરીને આ અંગે રજૂઆત કરાતાં તેઓએ તાત્કાલિક ધોરણે વકીલ તેમજ તેનાં પરિવારજનો સામે ફરિયાદ નોંધવાનો આદેશ કરતાં બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રીતિબહેન સોનીનાં લગ્ન ૨૦૧૨માં મૌલિનભાઇ સાથે થયાં હતાં. ૨૦૧૩માં કોઇ કારણસર અણબનાવ બનતાં તેઓનો કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જોકે બાદમાં બંને પરિવારજનો વચ્ચે સમાધાન થયું હતું. પ્રીતિબહેન તેમના પતિ સાથે મણિપુર ખાતે આવેલા મકાનમાં રહેતાં હતાં. માર્ચ મહિનામાં ચિંતન પંડ્યા નામની વ્યક્તિ પ્રીતિબહેનનાં માતા-પિતાના ઘરે આવી હતી અને તેમની પુત્રીના છૂટાછેડા અંગે પૂછપરછ કરી હતી, જોકે તેમની ત્રણેયમાંથી એક પણ પુત્રીના છૂટાછેડા ન થયા હોવાનું જણાવતાં ચિંતને જણાવ્યું હતું કે મૌલિન સોનીએ તેની બહેન માર્ગી પંડ્યા સાથે સંબંધ નક્કી કર્યો છે. આ અંગે મૌલિનની પૂછપરછ કરાતાં તેની ચારેય બહેનો અને માતા-પિતાના દબાણથી રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર પર છૂટાછેડાના નકલી દસ્તાવેજો તેણે બનાવી દીધા હતા.

આ અંગે પ્રીતિબહેન બોપલ પોલીસ સ્ટેશનમાં મૌલિન સોની અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગયાં હતાં, પરંતુ પોલીસે તેઓની માત્ર અરજી લીધી હતી. બાદમાં રેન્જ આઇજી નીરજા ગોતરુ, ડીવાયએસપી પી. ઓ. ભટ્ટ સહિતના અધિકારીઓને પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઇએ પણ ફરિયાદ લેવાની તસદી ન લેતાં તેઓએ મહિલા પોલીસ અધિકારી અને ડીજીપી ગીથા જોહરીને આ અંગે રજૂઆત કરતાં તેઓના આદેશ બાદ બોપલ પોલીસે ફરિયાદ નોંધી હતી.
http://sambhaavnews.com/

You might also like