વકીલ પતિ અને સાસુ-સસરાએ પરિણીતાની હત્યા કરી લાશ લટકાવી દીધી

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ સદર બજાર ખાતે ગઈ કાલે વકીલની પત્નીની ભેદી રીતે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શાહીબાગ પોલીસે પતિ તેમજ સાસુ-સસરા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

કલોલ ખાતે આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા રમણભાઈ જેઠાભાઈ લેઉઆએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ દાખલ કરી છે. એપ્રિલ-૨૦૧૬માં રમણભાઈની દીકરી મીનાક્ષીનાં લગ્ન શાહીબાગ કેમ્પ સદર બજાર ખાતે રહેતા અને વકીલ તરીકે ફરજ બજાવતા પીનાકિન મહેન્દ્રભાઈ ચૌહાણ સાથે થયાં હતાં.

લગ્નના એક મહિના બાદ પીનાકિન તેમજ તેના પિતા મહેન્દ્રભાઈ અને માતા દમયંતીબહેન મીનાક્ષીને દહેજના મામલે હેરાન પરેશાન કરતા હતા. તદ્ઉપરાંત તેની સાથે મારઝૂડ પણ કરતા હતા. ગઈ કાલે મીનાક્ષીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તેવા દુઃખદ સમાચાર રમણભાઈ તથા તેમના પરિવારજનોને મળ્યા હતા. દીકરીના મોતના સમાચાર સાંભળતા રમણભાઈ પરિવાર સાથે અમદાવાદ દોડી આવ્યા હતા.

મીનાક્ષીના લાશ જોતાં તેની પીઠના ભાગે માર મારવાનાં નિશાન મળી આવતાં રમણભાઈએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પીનાકિન, મહેન્દ્રભાઈ અને દમયંતીબહેન વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. રમણભાઈએ આક્ષેપ કર્યા છે કે મીનાક્ષીની હત્યા કરીને તેની લાશને લટકાવી દેવામાં આવી છે અને ત્યાર બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવાની કોશિશ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like