વકીલના બંધ મકાનમાં નાસ્તો કરી તસ્કરોઅે અારામથી ચોરી કરી

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે ઘોડાસરમાં થોડાક દિવસ પહેલાં થયેલી 2.80 લાખ રૂપિયાની ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં તસ્કરોએ કરેલી ચોરીથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. વકીલ અને તેનો પરિવાર લૌકિક ક્રિયા માટે રાજસ્થાન ગયાે હતાે. તે સમયે તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહિત 5.69 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ જતાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.

કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ રાજીવપાર્ક સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા નરેન્દ્રસિંહ નાથુસિંહ ચૌહાણ પરિવાર સાથે તારીખ 14 મેના દિવસે રાજસ્થાન લૌકિક ક્રિયા માટે ગયા હતા. દરમિયાનમાં તસ્કરોએ તેમના મકાનમાં ઘૂસીને ચોરી કરી હતી.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.સંગાડાએ જણાવ્યું છે કે નરેન્દ્રસિંહ પરિવાર સાથે બહારગામ ગયા હતા તે સમયે તસ્કરો તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા. પહેલા તો તસ્કરોઅે રસોડામાં જઈને બાળકોના નાસ્તો પતાવી દીધો. ત્યારબાદ ઘરનો સામાન વેરવિખેર કરીને તિજોરીમાં પડેલા 30 હજાર રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના સહિત કુલ 5.69 લાખ રૂપિયાના મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ગઇ કાલે નરેન્દ્રસિંહ પરિવાર સાથે રાજસ્થાનથી પરત આવ્યા ત્યારે તેમણે મકાનનું તાળું તૂટેલું જોતાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ચોરીની જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે તસ્કરો વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like