ભાજપને શિખર ઉપર પહોંચાડનારા અડવાણીનો રાજકીય ‘સૂર્યાસ્ત’

અમદાવાદ: ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ જાહેર કરતા એક તરફ ગુજરાત ભાજપમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ વર્તમાન સાંસદ એવા લાલકૃષ્ણ અડવાણીની રાજકીય કારકિર્દી પર હવે સત્તાવાર પૂર્ણવિરામ મુકાયું છે.

આ વખતે ગાંધીનગર બેઠક માટે સેન્સ લેવાયો ત્યારે ૯૧ વર્ષિય અડવાણીનું નામ સુદ્ધાં પણ લેવાયું ન હતું. ભાજપે હવે ૭૫ વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવા માટે મન મનાવી લીધું છે. પ્રદેશ નેતાગીરીની માગ હતી કે આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી ચૂંટણી લડે અને તેમના વિકલ્પે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આ સીટ ફાળવવામાં આવે.

પક્ષના ગાંધીનગર લોકસભા સીટના નિરીક્ષક પેનલના સભ્ય નીમાબહેન આચાર્યએ જણાવ્યું હતું કે ૧૬ માર્ચે પાર્ટીએ જયારે સેન્સ લીધો ત્યારે મોટા ભાગના કાર્યકરો અને નેતાઓએ અમિત શાહ માટે રજુઆત કરી હતી. એક સમય એવો હતો જ્યારે અડવાણી રાજનીતિની દિશા નક્કી કરતા હતા. અટલબિહારી વાજપાઈની સાથે તેમણે બે સીટ ધરાવતા પક્ષને મુખ્ય પક્ષ બનાવ્યો હતો. અડવાણીએ ૧૯૯૨ની અયોધ્યા રથયાત્રા કાઢીને રાજનીતિને નવી દિશા આપી હતી. એક તબક્કે તેઓ વડા પ્રધાનપદના દાવેદાર મનાતા હતા. વર્ષ ૧૯૮૪માં બે સીટ ઉપર રહેલા ભાજપને ૧૯૯૮માં સત્તાનો સ્વાદ ચખાડ્યો હતો.

ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા. ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અડવાણી છેલ્લા ઘણા વર્ષથી ભાજપમાં જ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા, ત્યારબાદ અડવાણીને પક્ષના માર્ગદર્શક મંડળ -પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. સૌપ્રથમ વર્ષ ૧૯૯૧માં અડવાણી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ ૧૯૯૮, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી સાંસદ બન્યા છે. ૧૯૯૬માં બાબરી કેસના કારણે તેઓ ચૂંટણી લડ્યા ન હતા.

You might also like