દેશની ભાવિ પેઢી માટે ગંભીર બની રહેલું ભેળસેળવાળું દૂધ

તાજેતરમાં કેન્દ્ર સરકારે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે દેશવાસીઓને મળતું ૬૮ ટકા કરતાં પણ વધુ દૂધ શુદ્ધ હોતું નથી. આવા દૂધમાં ડિટર્જન્ટથી લઇને રિફાઇન્ડ તેલ અને કોસ્ટિક સોડાની મિલાવટ કરવામાં આવી રહી છે. આ સમસ્યા એટલી બધી ગંભીર છે કે તેનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. આ બાબતથી મોટા ભાગના લોકો અજાણ છે. આવું દૂધ નાનાં બાળકો અને કિશોરોને આપવામાં આવે તો આવું દૂધ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે અને તે દેશની ભાવિ પેઢી માટે ગંભીર બાબત બની રહી છે.
આવું મિલાવટી દૂધ અનેક બીમારીઓનું કારણ બની શકે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન હર્ષવર્ધનની પ્રશંસા કરવી જોઇએ કે તેમણે આ ગંભીર મુદ્દે લોકસભામાં રજૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ર૮ રાજ્ય અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતીય ખાદ્ય સંરક્ષણ અને માનક પ્રાધીકરણે ર૦૧૧માં એક સર્વે કર્યો હતો, જેમાં દૂધના ૧૭૯૧ નમૂના એકત્ર કર્યા હતા, જેમાંથી લગભગ ૭૦ ટકા સેમ્પલ એફએસએસએઆઇના માનકમાં નિષ્ફળ રહ્યા હતા. ખાસ કરીને બિહાર, છત્તીસગઢ, ઓરિસા, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, ઝારખંડ અને દીવ-દમણમાં દૂધમાં મિલાવટ સૌથી વધુ જોવા મળી હતી.
તમામ ભારતીયને ગર્વ છે કે તેમનો દેશ વિશ્વના દૂધના ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ દૂધમાં મિલાવટ થતી હોવાનું જાણ્યા બાદ હવે ભાગ્યે જ કોઇ ભારતીય આ બાબતે ગર્વ અનુભવશે. મિલાવટવાળું દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ રહ્યું છે. તેને શરીર માટે અસુર‌િક્ષત માનવામાં આવે છે. તેથી દેશમાં ઉત્પા‌િદત થતા દૂધના આંકડા નિરર્થક બની રહ્યા છે. ગત વર્ષે દેશમાં દૂધનું ઉત્પાદન ૬.૩ ટકા વધ્યું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય વૃદ્ધિનો દર ર.ર ટકા જ હતો.
કેન્દ્રીય પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ દૂધમાં થતી મિલાવટની જાણકારી મેળવવા એક નવું મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીન વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ તેમજ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અનુસંધાન સંસ્થાએ સાથે મળીને બનાવ્યું છે, જેમાં દૂધના નમૂનાને ચકાસવાનાે ખર્ચ લગભગ પાંચથી દસ પૈસા જ આવે છે અને આ તપાસ ૪૦થી ૪પ સેકન્ડમાં જ પૂર્ણ થઇ જાય છે ત્યારે તમામ સાંસદોએ કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધનની અપીલ અંગે ધ્યાન આપવું જોઇએ કે તેઓ તેમના મત વિસ્તારમાં આવું સ્કેનર લગાવે.
આ ઉપરાંત રાજ્ય સરકારોએ પણ મોટાં અને નાનાં શહેરોના દરેક વિસ્તારોમાં આવાં મશીનો લગાવવાની જવાબદારી લેવી જોઇએ. ખાસ કરીને બાળકો અને યુવાનોના સારા સ્વાસ્થ્યની જવાબદારી જે તે રાજ્ય સરકારની ગણાય છે. આ મુદ્દે હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી બાબતમાં જીપીએસ આધારિત એવી ટેક્નોલોજી વિકસાવવામાં આવે કે જેથી દૂધમાં કેટલી મિલાવટ થઇ છે તે જાણી શકાય અને આવાં મશીનોને ઝડપથી ઉપયોગમાં મૂકવાં જોઇએ. જ્યારે લોકો સ્વાર્થમાં અંધ બનીને બીજાનો વિચાર કર્યા વિના તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હોય ત્યારે હવે માત્ર નવી ટેક્નોલોજી વિકસાવી આવી પ્રવૃત્તિ અટકાવી શકાય તેમ છે.
દૂધમાં મિલાવટ થઇ રહી હોવાની કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને માહિતી આપ્યા બાદ આ અંગે વધુ તપાસ કરવામાં આવતાં ઉત્તર પ્રદેશમાં આવી પ્રવૃત્તિ વધુ થઇ રહી હોવાનું જાણવા મળ્યું હતું. યુપીમાં દૂધમાં મિલાવટના લગભગ ૧પ૦૦ કેસ ચાલી રહ્યા છે, પરંતુ તેમાં હજુ કોઇને સજા થઇ નથી.
સુપ્રીમ કોર્ટે ગત પાંચમી ડિસેમ્બરે ઉત્તર પ્રદેશ અને અન્ય ચાર રાજ્ય પાસેથી દૂધમાં મિલાવટના કેસો અંગે કરવામાં આવેલી કાર્યવાહી અને તેના પરિણામ અંગેનાે અહેવાલ માગ્યો હતો તેમજ અન્ય રાજ્યને પણ યુપી અને ઓરિસાના ધોરણે આઇપીસીની કલમ-ર૭રમાં સંશોધન કરી મિલાવટના ગુનામાં સજા વધારી આજીવન કેદ સુધી કરવા વિચારણા કરવી જોઇએ તેમ જણાવ્યું હતું.
સુપ્રીમના આ આદેશ અંગે ઉત્તર પ્રદેશે સોગંદનામું દાખલ કર્યું છે. યુપી સરકારે ર૦૧રથી નવેમ્બર-ર૦૧૩ સુધીની વિગતો આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં દૂધ અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળને રોકવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

You might also like