અાખરે ૮૩ વર્ષ બાદ એડોલ્ફ હિટલરનું નાગરિકત્વ રદ થયું

લંડન: બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના સરમુખત્યાર અેડોલ્ફ હિટલરે જે ઘાતકી કૃત્યો અાચરેલાં એનાથી ત્યાંના લોકો અાજે પણ નફરતની અાગમાં સળગે છે. અા વાતનો પુરાવો ત્યાંના ટીગાર્નસી નામે રળિયામણા ગામમાંથી મળ્યો. અા ગામના મેયરને હમણાં મૂળ અોસ્ટ્રિયાના એવા હિટલરના સત્તા પર અાવ્યાના છેક ૮૩ વર્ષે ટ્યૂબલાઈટ થઈ કે અાપણે હિટલરને અા ગામનું માનદ નાગરિકત્વ અાપેલું.

હિટલર સત્તા પર અાવ્યો ત્યારે તેને વહાલા થવા માટે અા માનદ નાગરિકત્વ અાપવામાં અાવેલું. પત્રકારોઅે મેયર સાહેબને પૂછ્યું કે હવે રહી રહીને તમે કેમ જાગ્યા? એના જવાબમાં મેયરે કહ્યું કે, ‘મને ખબર જ નહોતી કે હિટલર હજી અમારા સત્તાવાર રેકોર્ડમાં અહીંનું માનભેર નાગરિકત્વ ભોગવે છે. મને તો એમ કે હિટલર નરકસ્થ થયો અેની સાથે અે નાગરિકત્વ પણ બળી મર્યું હશે.’ એક્ચ્યુઅલી, હિટલર જર્મનીની સત્તા પર ચડી બેઠો ત્યારે અાવાં હજારો ગામોઅે તેને માનદ નાગરિકત્વ અાપેલું. એમાં અા ટીગાર્નસી ગામ પણ સામેલ હતું. નાગરિકત્વની સાથોસાથે હિટલરને ગામની મુખ્ય ચાવીઅો પણ સોંપાયેલી.

You might also like