અયોધ્યા વિવાદઃ જસ્ટિસ લલિત બેન્ચમાંથી હટી જતાં હવે કેસની સુનાવણી ર૯ જાન્યુઆરી પર મોકૂફ

નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વધુ એક વખત ટળી ગઇ. હવે આગામી સુનાવણી ર૯ જાન્યુઆરીએ થશે. અયોધ્યા મામલે આજે જેવી સુનાવણી શરૂ થઇ કરે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ સ્પષ્ટ કર્યું હતું કે આજની સુનાવણીના શિડયૂલ પર ન તો કોઇ નિર્ણય થશે કે ન તો કેસની સુનાવણી થશે. આ કેસમાં પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચમાં સામેલ જસ્ટિસ યુ.યુ.લલિતે બેન્ચમાંથી સ્વયંને હટાવી લેતાં આ કેસમાં નવો વળાંક આવ્યો હતો.

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા બંધારણીય બેન્ચ અને જસ્ટિસ યુ.યુ.લલિત સામે સવાલ ઉઠાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી હવે ર૯ જાન્યુઆરી સુધી મોકૂફ રાખી છે. હવે પાંચ જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ યુ.યુ.લલિત સામેલ થશે નહીં અને નવી બેન્ચની રચના કરવામાં આવશે.

વાસ્તવમાં મુસ્લિમ પક્ષકારના વરિષ્ઠ વકીલ રાજીવ ધવને જસ્ટિસ યુ.યુ.લલિતના બેન્ચમાં હોવા સામે એવું કહીને સવાલ ઉઠાવ્યો હતો કે એક સમયે અયોધ્યા કેસ સાથે સંકળાયેલા એક કેસમાં જસ્ટિસ યુ.યુ.લલિત વકીલ તરીકે હાજર રહી ચૂકયા છે. સુનાવણી શરૂ થતાં જ રાજીવ ધવને જણાવ્યું હતું કે જસ્ટિસ યુ.યુ.લલિત ૧૯૯૭માં કલ્યાણસિંહ તરફથી વકીલ તરીકે હાજર રહ્યા હતા.

ત્યાર બાદ જસ્ટિસ યુ.યુ.લલિતે કેસની સુનાવણીમાંથી હટી જવાની જાહેરાત કરી હતી. જસ્ટિસ યુ.યુ.લલિત દ્વારા બેન્ચમાંથી હટી જવાની ઇચ્છા વ્યકત કરવામાં આવતાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે જસ્ટિસ લલિત હવે બેન્ચમાં રહેશે નહીં અને તેથી નવી બેન્ચની રચના કરવી પડશે અને જસ્ટિસ યુ.યુ.લલિતના સ્થાને કોઇ નવા જજનો બેન્ચમાં સમાવેશ કરવામાં આવશે.

કાયદાકીય નિષ્ણાતો માને છે કે નવી બેન્ચનું ગઠન સ્પષ્ટ દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટ આ કેસને સામાન્ય જમીન વિવાદની જેમ જોતી નથી. કોર્ટ આ કેસ સંબંધિત તમામ બંધારણીય પાસાંઓની સમીક્ષા કરવા પણ ઈચ્છે છે. જાણકારોના જણાવ્યા અનુસાર આ કેસને સામાન્ય જમીન વિવાદ માનવાના બદલે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કેસ તરીકે જ જોવામાં આવ્યો છે.

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કરોડો લોકોના ધર્મ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલો કેસ પણ છે. આથી તેના બંધારણીય પાસાંઓની સમીક્ષા પણ એટલી જ જરૂરી બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી ઝડપથી હાથ ધરાશે અને તેનો ચુકાદો પણ જલ્દી આવી જશે.

બંધારણીય બેન્ચ તમામ પક્ષોની રજૂઆત-દલીલનો સમય નક્કી કરી દે અને સાથે જ સુનાવણી પૂર્ણ કરવાની તારીખ પણ નક્કી કરી નાખે તો આ કેસનો ચુકાદો આગામી ત્રણથી ચાર મહિનામાં જ આવી જશે. કાયદાના જાણકારો અનુસાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ૧૭ નવેમ્બરે નિવૃત્ત થવાના છે. એ પહેલાં અયોધ્યા કેસનો ચુકાદો આવી જાય તેવી શક્યતા છે.

મુસ્લિમ પક્ષના વકીલ એજાઝ મકબૂલે જણાવ્યું કે કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોના અનુવાદનું કામ પૂરું થઈ ગયું છે. તમામ દસ્તાવેજો અને હાઈકોર્ટના રેકોર્ડની પાંચ જજના હિસાબે કોપી પણ તૈયાર કરી લેવામાં આવી છે. આવા સંજોગોમાં જો બેન્ચ ઈચ્છે તો ત્વરિત સુનાવણી શરૂ કરી શકે છે. આજે સુપ્રીમ કોર્ટ સૌથી પહેલાં તો કેસ સાથે જોડાયેલા અગત્યના સવાલો નક્કી કરશે અને ત્યાર બાદ આ સવાલો પર દલીલો રજૂ કરવામાં આવશે અને બાદમાં ચુકાદો જાહેર કરાશે.

અયોધ્યા કેસના મુસ્લિમ પક્ષકાર હાજી મહેબૂબે જણાવ્યું કે વિવાદિત જમીન કેસની સુનાવણી કરનારા પાંચ જજની બેન્ચમાં એક મુસ્લિમ જજ પણ રાખવાની જરૂર હતી. હાજી મહેબૂબની માગણીને જોકે મુસ્લિમ પક્ષકારના વકીલ અને બાબરી મસ્જિદ એક્શન કમિટિ (બીએમએસી)ના સંયોજક ઝફરયાબ જિલાનીએ અયોગ્ય ગણાવી છે. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ પાંચ જજની બેન્ચ બનાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

You might also like