એડલ્ટ ફિલ્મોમાં કામ નહીં કરુંઃ અદિતિ

પોતાની કમાલની સુંદરતા અને દમદાર અભિનયના કારણે અદિતિ રાવ હૈદરી ફેમસ બની ચૂકી છે, જોકે તે ક્યારેય એડલ્ટ ફિલ્મ કે સેક્સ કોમેડી નહીં કરે. અદિતિએ કહ્યું કે હું આ દેશમાં તો ક્યારેય સેક્સ કોમેડી ફિલ્મો નહીં કરું, કેમ કે આપણે વાસ્તવમાં એડલ્ટ કે સેક્સ કોમેડી ફિલ્મો બનાવતા નથી. નારી દ્વેષ અને હાસ્યમાં અંતર હોય છે. હું એવી કોઇ પણ વસ્તુનો હિસ્સો નહીં બનું જે મહિલાઓની વિરુદ્ધમાં હોય. તેના અનુસાર અભિનય એક એવું ક્ષેત્ર છે, જ્યાં હરીફાઇઓ થતી રહેતી હોય છે, પરંતુ હું હંમેશાં એવી કોશિશ કરીશ કે સારું પર્ફોર્મન્સ આપી શકું. તે કહે છે કે હું કોઇ બીજા વિશે વધુ પડતું વિચારતી નથી. હું હંમેશાં મારી જાતને શ્રેષ્ઠ બનવા માટે પ્રોત્સાહિત કરતી રહું છું. મારી હરીફાઇ મારી જ સાથે છે. મને કેમેરા સામે રહેવું અને પર્ફોર્મન્સ આપવું ગમે છે. મારા માટે તે ખૂબ જ રોમાંચક કામ છે.

અદિતિએ થોડા સમય પહેલાં અરશદ વારસી અને બોમન ઇરાની સાથે ‘ધ લિજેન્ડ ઓફ માઇકલ મિશ્રા’ નામની કોમેડી ફિલ્મમાં અભિનય કર્યો હતો, જોકે તે કોઇ પણ પ્રકારની એડલ્ટ કોમેડી ન હતી. તે કહે છે કે મારા માટે આ ફિલ્મમાં અભિનય કરવામાં કોમિક ટાઇમિંગ મુદ્દો ન હતો. મારે તો બસ મારા એ પાત્ર સાથે ન્યાય કરવાનો હતો કે જે વધુ હાસ્યાસ્પદ છે. તે કહે છે કે મને મનોરંજન ચોક્કસ પસંદ છે, પરંતુ જો તે યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો જ. હું સેક્સ કોમેડી ફિલ્મોને નારી વિરોધી માનું છું. •

You might also like