મારો હીરો હું જ છુંઃ અદિતી

અદિતી રાવ હૈદરી પોતાનો હીરો સ્વયં બનવામાં વિશ્વાસ રાખે છે. પોતાના અગાઉના સંબંધોમાં તેણે શીખેલી અા સૌથી મહત્ત્વની વાત છે. તે કહે છે કે હું મારી વસ્તુઓ અને મારી જાતનું ધ્યાન મારી જાતે રાખું છું. દરેક વસ્તુ કે કામ માટે મારે મારા પાર્ટનર પર નિર્ભર થવું પડતું નથી. તમારે કોઈ પણ બાબત માટે તમારા પાર્ટનર પર ડિપેન્ડન્ટ રહેવું ન જોઈએ. અાવા સંજોગોમાં જો ક્યારેક સંબંધ તૂટે તો તમે ખૂબ જ નિરાશ બની જાઓ છો.

દિતી કહે છે કે હું એવો જીવનસાથી ઈચ્છું છું કે જેના દિલમાં બીજા માટે માન-સન્માન હોય, તેનામાં મજાક કરવાની અને સહેવાની સમજ હોવી જોઈએ. હું એવા પુરુષનો સાથ ઈચ્છું છું, જે પોતાની જાત પર હસી શકે અને પોતાના કામ ઉપરાંત તેને અન્ય બાબતોમાં પણ રસ હોય. એ વાત પણ મહત્ત્વની છે કે તેઓ કેવી રીતે પોતાની જિંદગી જીવે છે અને તે જીવનમાં તમને કેટલી હદે સામેલ કરે છે.

ઉલ્લેખનીય છે કે અદિતીનો તેના પતિ સાથે ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે, જોકે હજુ પણ તેને પ્રેમમાં વિશ્વાસ છે. તેનું માનવું છે કે પ્રેમમાં એ તાકાત છે, જે દરેક વ્યક્તિને પોષણ અાપે છે. પોતાની ફિટનેસ અંગે વાત કરતાં અદિતી કહે છે કે હું હેલ્ધી ફૂડ લેવાનું પસંદ કરું છું. દર બે કલાકે કંઈક ને કંઈક ન ખાઉં તો મને અજીબ ફીલ થાય છે. હું છ વર્ષની હતી ત્યારથી યોગ અને ડાન્સ કરું છું. એ જ મારી ફિટનેસનું રાજ છે.•

You might also like