આત્મવિશ્વાસ મારી મોટી તાકાતઃ અદિતિ રાવ

સાઉથની ઘણી બધી ફિલ્મોમાં પોતાનો જલવો બતાવ્યા બાદ બોલિવૂડની ફિલ્મ ‘દિલ્હી-૬’થી એન્ટ્રી કરનારી અદિતિ રાવ હૈદરીના હિસ્સામાં ‘લંડન પેરિસ ન્યૂયોર્ક’, ‘રોકસ્ટાર’, ‘મર્ડર-૩’, ‘બોસ’, ‘ખૂબસૂરત’, ‘ગુડ્ડુ રંગીલા’, ‘વજિર’ અને ‘ફિતૂર’ જેવી ફિલ્મો આવી. ‘દિલ્હી-૬’માં સહાયક અભિનેત્રીનું પાત્ર ભજવ્યું. હવે તે મણિરત્નમ્ની ફિલ્મ કરી રહી છે. અદિતિ કહે છે કે મને મારી આ સફર પર ગર્વ છે. કોઇની પણ સહાયતા વગર હું અહીં સુધી પહોંચી છું. મારી પાછળ મને સપોર્ટ કરવાવાળું કોઇ ન હતું. મને કોઇનું સમર્થન પણ મળ્યું ન હતું, પરંતુ મેં ક્યારેય એ બાબતને લઇ ફરિયાદ કરી નથી. હું હંમેશાં મારી જાતને ભાગ્યશાળી જ માનું છું, કેમ કે ઘણા લોકોએ મને તેમની ઉડાનોની અંદર રાખી. મારા વિકાસમાં મદદ કરી અને મને સફળતા અપાવી. હું એ પણ માનું છું કે ફિલ્મોમાં સતત ટક્યા રહેવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મારો આત્મવિશ્વાસ મારી સૌથી મોટી તાકાત છે.

આજકાલ બોલિવૂડમાં સેક્સ કોમેડી ફિલ્મો બનાવવામાં આવે છે, જે હિટ પણ જાય છે, પરંતુ અદિતિ આ પ્રકારની ફિલ્મોથી અત્યાર સુધી દૂર રહી છે. તે કહે છે કે બોલિવૂડની સેક્સ કોમેડી ફિલ્મોનું સ્તર ખૂબ જ નીચું છે. સેક્સ કોમેડીના નામ પર બોલ્ડ સીન અને ડબલ મિનિંગ ડાયલોગ્સ ફિલ્મોમાં સાંભળવા મળે છે. આ જ કારણ છે કે હું એડલ્ટ કોમેડી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છતી નથી. પોતાની ફિટનેસ અંગે વાત કરતાં અદિતિ કહે છે કે હું કોઇ ખાસ ઉપાય કરતી નથી. હું જિમ જતી નથી. માત્ર યોગ, ઇન્ટરવલ ટ્રેનિંગ અને ડાન્સ કરું છું. મારા મત મુજબ ફિટ રહેવાની રીત જેટલી નેચરલ હોય તેટલું સારું. •

You might also like