જૂનાગઢમાં આજથી મિની કુંભનો પ્રારંભ, STની વધારાની બસો અને ત્રણ ટ્રેનો દોડાવાશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: જૂનાગઢના ગિરનારની તળેટીમાં આજથી મિની કુંભમેળાનો પ્રારંભ થયો છે. સાત દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખો ભક્તો ઉપસ્થિત રહેશે. આ મેળાને મિની કુંભ જાહેર કરાયો છે. લાખો ભક્તો આ મેળામાં આવી પહોંચશે, તેના માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન અને એસટીની પ૦ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.

ગિરનારના સાંનિધ્યમાં આવેલા ભવનાથ પાસેના ભારતી આશ્રમમાં પ૦ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરાયું છે, જેની પૂજા-અર્ચના રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે સંપન્ન થયા બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે.

દેશભરમાંથી આવેલા નાગા બાવાઓનાં ઉતારા મંડળ આજથી ધમધમતાં થશે. મની કુંભમેળામાં ૩ દિવસ સંત સંમેલનનું અને ૩ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમજ મેળા દરમિયાન લાઈટ અને સાઉન્ડ શો પણ યોજાશે. દેશ-વિદેશ અને ભારતમાંથી પણ અનેક ભક્ત ભાગ લેશે. પ્રખ્યાત સૌરાષ્ટ્રના ગિરનારની ગોદમાં આવેલા ‘સતાધાર ધામ-આપા ગીગાની જગ્યા’ અને ‘આપા ગીગાનો ઓટલો-ચોટીલા’ દ્વારા મેળામાં મહાશિવરાત્રીના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ દરેક અખાડાના સાધુ-સંતો-મહંતો તેમજ નાની-મોટી દરેક જગ્યાના સંતો-મહંતો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ દરમિયાન પાંચ દિવસ સુધી મહારુદ્રયાગ, ૨૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, મેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઊજવવામાં આવી રહ્યો છે. સ્વૈ‌ચ્છિક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ, કુંડ-નદી-નાળાંની સફાઈ, મેરેથોન દોડ, પર્વતારોહણ સ્પર્ધા, સ્પિરિચ્યુઅલ વોકનાં નવાં આકર્ષણ પણ મેળામાં જોડવામાં આવ્યાં છે.

રાજ્ય સરકારે જૂનાગઢના આ મેળાને પ્રયાગરાજમાં યોજાતા કુંભમેળા સમકક્ષ મિની કુંભમેળા તરીકે જાહેરાત કરી છે. મેળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેમજ સરકારી ભવન ઉપર કુંભમેળાને અનુરૂપ ચિત્રો, સુશોભન, એલઈડી લાઇટ્સ મૂકવામાં આવી છે. મેળાના દિવસો દરમિયાન ગિરનાર પર્વતની દીવાલ ઉપર લેસર શો, ફૂલ અને કલરની રંગોળી પણ કરવામાં આવી છે. દોઢ લાખ ભાવિક માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે, જેમાં ભાવિકોને દેશી ઘીમાં બનાવેલો ગાજરનો હલવો, મોહનથાળ અને બુંદી પીરસાશે

You might also like