અદાણી પાવર પ્લાન્ટમાં દાઝેલા અાઠ કામદારો હજુ પણ ગંભીર

અમદાવાદ: મુંદ્રા તાલુકાના સિરાચા સ્થિત અદાણી પાવર પ્લાન્ટમાં બોઈલરની સ્ટીમ લાઈન ફાટતાં ર૧ કામદારો ભારે ગરમ વરાળથી દાઝી જવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. આ ઘટનામાં એક કર્મચારીનું મોત થયું છે જ્યારે અન્ય આઠ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતા તેમની હાલત ગંભીર છે. ર૧ કર્મચારીઓ પૈકી ૧૩ કર્મચારીઓને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે બીજા કર્મચારીઓને અદાણી હોસ્પિટલ બાદ ગાંધીધામ ખસેડાયા છે. આ ઘટનાને લઇને મુંદ્રા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. તો બીજી તરફ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લઇને ઇન્સ્પેક્શન કરશે.

ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ સવારે ગાળામાં અદાણી પાવર પ્લાન્ટ પરીસરમાં બોઈલર સંલગ્ન ૬ નંબરની સ્ટીમ લાઈન નીચે ર૧ કામદારો કલર કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ લાઈન ફાટતાં તેમાંથી વરાળ નીકળી હતી જેમાં કામદારો લપેટાયા હતા. આ ઘટનામાં તમામ કામદારો ગંભીર રીતે દાઝી જતા ગાંધીધામ તથા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્ત કર્મચારીઓ સારવાર હેઠળ ખસેડાયા હતા.

અમદાવાદના ૧૩ કર્મચારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક કર્મચારીનું ગઇ કાલે મોડી રાત્રે મોત થયું હતું અને અન્ય ૧ર કર્મચારી સારવાર હેઠળ છે આ પૈકી આઠ કર્મચારીની હાલત અત્યત ગંભીર હોવાનું સામે આવ્યું છે. વાયુવેગે ઘટનાની જાણ ચોતરફ થતાં કંપની સંચાલકો હરકતમાં આવી ગયા હતા. મુંદ્રા પીઆઈ રાણા તથા મામલતદાર રબારી પ્લાન્ટમાં સમીક્ષા અર્થે દોડી આવ્યા હતા. મુંદ્રા પોલીસે આ મુદ્દે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. બોર્ડર રેન્ડ આઇજી એ. કે. જાડેજાએ જણાવ્યું છે કે હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને તપાસ ચાલુ છે ફેકટરી ઇન્સ્પેકટર અને ફાયરસેફ્ટી ઓફિસર ઘટનાની મુલાકાત લઇને ઇન્સ્પેક્શન કરશે ત્યારબાદ રિપોર્ટ આવશે અને જો બેદરકારી સાબિત થશે તો સબંધિત લોકો સામે લાપરવાહીનો ગુનો દાખલ કરવામાં આવશે.

સ્ટર્લિંગમાં આઠ ગંભીર રીતે દાઝેલા કર્મચારીઓ
સિરાજુદ્દીન, વિમલેશ, શમશેર, મોહંમદ એઝાઝ, ભગવાનસિંહ ચૌધરી , રમેશ શર્મા, હાસિમ, અજાણ્યો ઇસમ

સામાન્ય ઇજાઓ પામેલા કર્મચારીઓ
શબ્બીર હુસૈન, શૈલેન્દ્ર ચમાર, અજય ગૌતમ, અજમેરસિંગ ખરવાડ, સુદર્શન યાદવ, ઇદ્રિશ આઝમખાન, મુર્શીદ, મકસુદ અંસારી, સંજયકુમાર, પ્રદીપ બૈઠા, અમિત સિંગ, હરદીપ સિંગ, મહાજન મહંતો

You might also like