અદાણીના ભાઈએ બહામામાં કંપની સ્થાપ્યા બાદ નામ બદલીને ‘શાહ’ રાખવા અરજી કરી હતી

નવી દિલ્હી: અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એક્સપોર્ટ લિમિટેડ (હવે અદાણી એન્ટરપ્રાઈઝ લિ.)ની સ્થાપનાના થોડા મહિના બાદ જ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ શાંતિલાલ શાહ અદાણીએ બહામામાં જાન્યુઆરી ૧૯૯૪માં એક કંપનીની સ્થાપના કરી હતી.

વિનોદ અદાણી ગ્રૂપનો વિદેશ કારોબાર સંભાળતા હતા, જ્યારે તેમના પુત્ર પ્રણવ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના ડાયરેક્ટર છે. કોર્પોરેટ સર્વિસ પ્રોવાઈડર મોસેક ફોન્સેકાના લીક થયેલા દસ્તાવેજો અને રેકોર્ડ અનુસાર એવો પર્દાફાશ થયો છે કે ૪ જાન્યુઆરી ૧૯૯૪ના રોજ વિનોદ એસ. અદાણી દ્વારા બહામામાં જે.એ. ઈન્ટરનેશનલ ઈન્ક કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.

વિનોદ અને તેમના પત્ની રંજનાબહેન આ કંપનીના બે ડાયરેક્ટર હતાં અને બંનેની કંપનીમાં સરખી ભાગીદારી હતી. મોસેક ફોન્સેકાની આ કંપનીમાં રજિસ્ટર્ડ એજન્ટ તરીકે નિમણૂક થઈ હતી. આ કંપનીની રચનાના બે મહિનાની અંદર જ જી.એ. ઈન્ટરનેશનલના એડમિનિસ્ટ્રેટર ફાલ્કન મેનેજમેન્ટ લિમિટેડે અદાણીના સ્થાને નામ બદલીને શાહ રાખવા માટે અરજી કરી હતી.

જુલાઈ ૧૯૯૫માં જી.એ. ઈન્ટરનેશનલ ઈન્કે. પોતાનું નામ બદલીને એગ્રી એક્સપોર્ટ લિમિટેડ રાખવાની માગણી કરી હતી, પરંતુ નામ બદલવાની આ યોજના સફળ ન રહી કારણ કે જે નામ સૂચવવામાં આવ્યું હતું કે એક હયાત ઈન્ટરનેશનલ બિઝનેસ કંપનીને મળતું આવતું હતું. ત્યાર બાદ ૨૪ એપ્રિલ ૧૯૯૬ના રોજ રંજનાબહેને આ કંપનીમાંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું અને પનામા લીકના દસ્તાવેજો અનુસાર રાકેશ શાંતિલાલ શાહની જી.એ. ઈન્ટરનેશનલ ઈન્કમાં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

અદાણી ગ્રૂપના ૨૦૦૯ના દસ્તાવેજો રાકેશ શાહને ગ્રૂપની ત્રણ કંપનીઓ – અદાણી પાવર (ઓવરસીઝ) લિમિટેડ, અદાણી ગ્લોબલ એફઝેડઈ (યુએઈ) અને ચેમોઈલ અદાણી પીટીઈ લિમિટેડ (સિંગાપોર)માં ડાયરેક્ટર તરીકે દર્શાવે છે. આ ત્રણેય કંપનીઓમાં વિનોદ એસ. અદાણીનું નામ ડાયરેક્ટર તરીકે અને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના એક પ્રમોટર ગ્રૂપ શેરહોલ્ડર તરીકે પણ બતાવવામાં આવ્યું છે.

મોસેક ફોન્સેકાના દસ્તાવેજો અનુસાર જી.એ. ઈન્ટરનેશનલ ઈન્ક ૨૩ સપ્ટેમ્બર ૧૯૯૬ના રોજ વિધિવત્ રીતે બંધ અને વિસર્જિત કરી દેવામાં આવી હતી કારણ કે વિનોદ શાંતિલાલ અદાણી પોતે વિનોદ શાંતિલાલ શાહ તરીકે ઓળખાવવા માગતા હતા. આ કારણસર ૧૯૯૪થી કંપનીના તમામ દસ્તાવેજો સુધારવામાં આવ્યા હતા.

૨૬ ઓગસ્ટ ૧૯૯૭ના રોજ મોસેક ફોન્સેકાને ફોર્ટ્રેસ મેનેજમેન્ટ લિમિટેડ નામની એક કંપની તરફથી જી.એ. ઈન્ટરનેશનલ ઈન્કના લાભાર્થી ડાયરેક્ટર્સ અને શેરહોલ્ડર્સ અંગે માહિતી અને વિગતો માગવામાં આવી હતી, પરંતુ જી.એ. ઈન્ટરનેશનલ ઈન્ક દ્વારા મોસેક ફોન્સેકાને કોઈ પણ માહિતી કે વિગતો જાહેર નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.
૨૦ એપ્રિલ ૨૦૦૫ના રોજ વિનોદ અને રાકેશે મોસેક ફોન્સેકાના સ્થાને બહામાની કંપની ઓવરસીઝ મેનેજમેન્ટ કંપનીને પોતાના રજિસ્ટર્ડ એજન્ટ તરીકે નિમણૂક કરતા એક ઠરાવ પર સહી કરી હતી. આ એજન્ટ ટ્રાન્સફરની પ્રક્રિયા ૨૧ જુલાઈ ૨૦૦૫ના રોજ પૂરી કરવામાં આવી હતી.

રજિસ્ટર્ડ એજન્ટ તરીકે ૧૧ વર્ષના કાર્યકાળ દરમિયાન જી.એ. ઈન્ટરનેશનલ ઈન્ક દ્વારા મોસેક ફોન્સેકાને સર્ટિફિકેટ ઓફ ઈન્કોર્પોરેશન અને ગુડ સ્ટેન્ડિંગની અવારનવાર માગણી કરવામાં આવી હતી. કંપનીના રેકોર્ડમાં વિનોદ, પત્ની રંજનાબહેન અને રાકેશનું સરનામું – કેર ઓફ એન.આર. દોશી એન્ડ કંપની, પીઓ બોક્સ – ૧૩૭૪૩, દેરા (દુબઈ) યુએઈ તરીકે બતાવવામાં આવ્યું હતું. તેમની વેબસાઈટ પર એન.આર. દોશી એન્ડ પાર્ટનર્સને ઓડિટર્સ, બિઝનેસ કન્સ્ટલ્ટન્ટસ અને ટેક્સ એડ્વાઈઝર તરીકે બતાવવામાં આવ્યાં હતાં.

You might also like