અદાણીએ ઓસ્ટ્રેલિયાના પ્રોજેક્ટ માટે ટ્રિબ્યૂનલને ઊઠાં ભણાવ્યાં

અમદાવાદ: અદાણી ગ્રૂપ દ્વારા ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા કોલસા-ખાણ પ્રોજેક્ટ કાર્માઇકલમાં ખનનનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઓસ્ટ્રેલિયાની કાર્માઇકલ કોલસાની ખાણની જમીનના પરંપરાગત માલિકે અદાલતમાં એવો આક્ષેપ કર્યો છે કે અદાણી જૂથે આ ખનન પ્રોજેક્ટ માટે મંજૂરી આપનાર ટ્રિબ્યૂનલને ગેરમાર્ગે દોરીને પ્રોજેક્ટ માટે મંજૂરી મેળવી હતી.

અદાણી ગ્રૂપ સામે આક્ષેપ કરતા ઓસ્ટ્રેલિયાની પરંપરાગત જાતિઓ વાનગન અને જેગલિંગુઆના પ્રવક્તા અને નેતા એડ્રિયન બુરાગુબાએ ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટ સમક્ષ એવો દાવો કર્યો છે કે અદાણીએ નેટિવ ટાઇટલ ટ્રિબ્યૂનલને ગેરમાર્ગે દોરી હોવાથી કાર્માઇકલ ખનન પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે આપવામાં આવેલા ચુકાદાને જાહેર હિતમાં રદબાતલ ઠરાવવો જોઇએ. બુરાગુબાના બેરિસ્ટર ડેવિડ યારોએ બ્રિસ્બેનમાં સોમવારે અદાલતની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે ટ્રિબ્યૂનલનો નિર્ણય ગેરકાયદે છે, કારણ કે અદાણી દ્વારા ક્વિન્સલેન્ડના ગેલીલીબેસીનમાં આ ખાણપ્રોજેક્ટને થનારા આર્થિક લાભો અંગે ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે.

યારોએ અદાલતમાં જણાવ્યું હતું કે આ ખાણ પ્રોજેક્ટને પડકારતાં અલગ જમીન કોર્ટ કેસમાં કંપનીના જ નિષ્ણાતે ૧૨૦૦ રોજગારો ઊભા થવાની વાત કરી હતી અને જ્યારે અદાણીએ આ ટ્રિબ્યૂનલ સમક્ષ એવો દાવો કર્યો છે કે ૭,૦૦૦ રોજગારો ઊભા થશે. આમ, અદાણીએ આ ખનન પ્રોજેક્ટ દ્વારા ઊભા થનારા રોજગારો અને તેનાથી થનારા નફાના આંકડાઓમાં અતિશયોક્તિભરી રજૂઆત કરી છે. ડેવિડ યારોએ અદાલતને વધુમાં જણાવ્યું હતું કે અદાણીએ નેશનલ નેટિવ ટાઇટલ ટ્રિબ્યૂનલની નિર્ણય પ્રક્રિયાને ગેરમાર્ગે દોરી હતી, કારણ કે અદાણી પ્રોજેક્ટના આર્થિક લાભ અંગે કેટલીક માહિતી ટ્રિબ્યૂનલ સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે અને તેથી ટ્રિબ્યૂનલનો ફેંસલો રદબાતલ ઠરાવવો જોઈએ.

You might also like