અદાને ડાન્સ કરવો ખૂબ પસંદ છે

બોલિવૂડમાં જ્યારે સારા રોલ મળતા બંધ થઇ જાય છે ત્યારે લોકો દક્ષિણ ભારતીય ફિલ્મો તરફ વળે છે. એક એવી જ અભિનેત્રી છે અદા શર્મા. થોડા સમય પહેલાં તેની એક ફિલ્મ ‘૧૯૨૦’ આવી. ત્યાર બાદ ‘ફિર’ જેવી ફિલ્મથી શરૂઆત કર્યા બાદ તેને દક્ષિણની ફિલ્મોમાં કામ કરવું પડ્યું. બોલિવૂડમાં જ્યારે તેને ફરી વખત બોલાવાઇ ત્યારે તેને ‘હસી તો ફસી’ જેવા મોટા બેનરની ફિલ્મ મળી. તેનું પરિણામ એ આવ્યું કે આજે તેની પાસે ‘જગ્ગા જાસૂસ’ અને ‘કમાન્ડો-૨’ જેવી ફિલ્મો છે. બોલિવૂડમાંથી ગયેલી અભિનેત્રીનાં માનપાન સાઉથમાં વધી જતાં હોય છે. અદા કહે છે કે મને એવું ખાસ લાગતું નથી, પરંતુ આજે દરેક ઇન્ડસ્ટ્રી વધી રહી છે. મનોરંજનનું ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે. સાઉથમાંથી આવનારી અભિનેત્રીઓને પણ બોલિવૂડમાં સારું એવું કામ મળે છે. તે કહે છે કે હું મારી આવનારી બે ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છું.

‘હસી તો ફસી’ ફિલ્મના એક જ અઠવાડિયા બાદ તેલુગુ ફિલ્મ ‘હાર્ટએટેક’ રિલીઝ થઇ. અદા કહે છે કે આ બંને ફિલ્મમાં મને પસંદ કરાઇ અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સારી ચાલી. એવું ઓછું બને છે કે કોઇ કલાકારની એક જ અઠવાડિયામાં બે અલગ અલગ ભાષામાં આવનારી ફિલ્મ હિટ થઇ હોય. અદાને ડાન્સ કરવો ખૂબ જ પસંદ છે. તે કહે છે કે આમ તો ડાન્સ અમારા વ્યવસાયની માગણી છે, પરંતુ એક કુશળ ડાન્સર હોવું પણ એટલું જ જરૂરી છે. આ માટે ફિટ હોવું પણ જરૂરી છે. મને ડાન્સ કરવો પહેલાંથી જ પસંદ છે, કેમ કે મારી માતા પણ કુશળ ડાન્સર હતી.

You might also like