નોન સ્ટોપ કામ કરતી સોનમ

િફલ્મ ‘નીરજા’ બાદ સોનમ કપૂરે લગભગ એક વર્ષનો બ્રેક લીધો. કેટલાક લોકોએ તેના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું તો કેટલાકે ટીકા પણ કરી, પરંતુ તેનું કહેવું હતું કે એક વર્ષના બ્રેક દરમિયાન તેને એ વાતે ક્યારેય પરેશાન કરી નથી કે તેના હાથમાંથી સારી ફિલ્મો નીકળી શકે છે. તે કહે છે કે મારે બ્રેકની જરૂર હતી, કેમ કે ‘નીરજા’ ભાવનાત્મક રીતે એક મુશ્કેલ ફિલ્મ હતી. એમ પણ મને મારી ગતિથી કામ કરવું ગમે છે. અત્યાર સુધી મેં ઇન્ડસ્ટ્રીમાં કેટલાક બેસ્ટ નિર્માતા સાથે કામ કર્યું છે અને ઘણી સારી ફિલ્મોનો ભાગ બની છું. હવે સોનમનો ઇરાદો નોન સ્ટોપ એટલે કે રોકાયા વગર કામ કરવાનો છે. ત્રણ ફિલ્મોમાં વ્યસ્ત હોવા છતાં પણ તે ફિલ્મ મેકિંગનો કોઇ કોર્સ કરવા માટે પણ સમય કાઢવા ઇચ્છે છે.

સોનમ કહે છે કે મુશ્કેલ ફિલ્મોમાં કામ કરવાની વાત શારીરિક રીતે તમને થકવી નાખે છે. સ્ક્રીન પર ઇમોશનલ દૃશ્યો માટે હું ‌િગ્લસરીનનો ઉપયોગ કરતી નથી, પરંતુ હું ખરેખર રડવા લાગું છું. હવે હું ફિલ્મ મેકિંગ પણ શીખવા ઇચ્છું છું. હજુ હું એ નક્કી કરી શકી નથી કે હું શું શીખીશ, પરંતુ કંઇક ને કંઇક તો નવું શીખવા મળશે જ. મેં ચાર એક્ટિંગ કોચ પાસેથી અભિનય શીખ્યો હતો અને ફિલ્મો પહેલાં હું વર્કશોપમાં પણ ભાગ લઉંં છું, પરંતુ હવે હું ગંભીરતાથી ફિલ્મ મેકિંગ શીખવા ઇચ્છું છું. પહેલાં હું આ જ વર્ષે કોઇ કોર્સ કરવા ઇચ્છતી હતી, પરંતુ ત્રણ ફિલ્મમાં બિઝી હોવાના કારણે લાગતું નથી કે આ વર્ષે હું તે કરી શકીશ. મારી કરિયર એવા વળાંક પર છે, જ્યાં મારી ફિલ્મોને લઇને હું રોમાંચિત અને ડરેલી છું, કેમ કે હું ત્રણ ફિલ્મોમાં નોન સ્ટોપ કામ કરી રહી છું. •

You might also like