સ્ટારડમથી દૂર રહે છે અભિનેત્રી આલિયા ભટ્ટ…

એ વાતમાં કોઇ બેમત નથી કે આલિયા ભટ્ટ આજની પેઢીની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મ ભલે ગમે તેવી હોય, તેની કહાણી કેવી પણ હોય, પરંતુ તે દરેક પ્રકારના રોલમાં દમદાર અભિનય કરી જાણે છે.

ફિલ્મ ‘રાઝી’ની સફળતા ૨૫ વર્ષીય આલિયાના સ્ટાર પાવરનું પરિણામ છે, જોકે તે ઇચ્છતી નથી કે કોઇ પણ પ્રકારે આ સ્ટારડમ તેના માથા પર સવાર થાય અને તેને ઘમંડી બનાવી દે. ‘રાઝી’ બાદ ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘ગલી બોય’ જેવી ફિલ્મનું શૂટિંગ કરી રહેલી આલિયાના જણાવ્યા અનુસાર તે અભિનય ઉપરાંત ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ હાથ અજમાવવા ઇચ્છે છે.

આલિયા કહે છે કે મેં ફિલ્મ પ્રોડ્યૂસ કરવા પણ વિચાર કર્યો છે. હું એ જાણતી નથી કે મારે મારું પ્રોડક્શન હાઉસ ખોલવું જોઇએ કે નહીં. જો મને કોઇ ફિલ્મ એટલી સારી લાગશે તો હું તેના નિર્માણમાં સહયોગ આપીશ. હું તે ફિલ્મ પ્રોડ્યૂસ કરીશ. તે ફિલ્મમાં કામ કરવાના પૈસા પણ નહીં લઉં.

ફિલ્મ નિર્માત્રીના રૂપમાં હું કોઇ ફિલ્મ સાથે માત્ર આવી જ રીતે જોડાઇ શકું છું. મારા મત મુજબ આ વિચાર મારા મનનો છે, પરંતુ તે માત્ર યોગ્ય અવસર પર નિર્ભર કરે છે. ફિલ્મ નિર્માણમાં તો આલિયાને રસ છે, પરંતુ તે ક્યારેય ફિલ્મનું નિર્દેશન કરવા રાજી નથી.

તે કહે છે કે મને લાગતું નથી કે હું ક્યારેય કોઇ ફિલ્મ ડિરેક્ટ કરી શકું. તે એક મોટી જવાબદારી હોય છે. સોનાક્ષી સિંહા, અર્જુન કપૂર અને તેની સાથેના ઘણા સ્ટાર્સ નાના પરદાના શોમાં જોવા મળી ચૂક્યા છે. આલિયા કહે છે કે હું પણ થોડાં વર્ષ બાદ નાના પરદા પર જોવા મળીશ. •

You might also like