દરેક ભૂમિકામાં ફિટ: આલિયા ભટ્ટ

વર્ષ ૧૯૯૯માં ફિલ્મ ‘સંઘર્ષ’માં બાળકલાકાર તરીકે પહેલી વાર કેમેરાનો સામનો કરનાર અાલિયા ભટ્ટે વર્ષ ૨૦૧૨માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ્સ ઓફ ધ યર’થી બોલિવૂડમાં પગ મૂક્યો. ત્યારબાદ અાવેલી તેની તમામ ફિલ્મમાં તેણે અલગ અલગ પ્રકારના રોલ ભજવ્યા. માત્ર ચાર વર્ષમાં તેણે બોલિવૂડમાં પોતાની એક અલગ જગ્યા બનાવી. અત્યાર સુધીમાં તેણે જે ફિલ્મોમાં કામ કર્યું તે તમામ ફિલ્મોમાં તેના અભિનયનાં વખાણ થયાં. ‘સ્ટુડન્ટ્સ ઓફ ધ યર’, ‘ટુ સ્ટેટસ’, ‘હાઈવે’ અા તમામ ફિલ્મો હિટ રહી. હાલમાં તે ‘ઊડતા પંજાબ’ ફિલ્મમાં બિહારની એક મજૂરની ભૂમિકા કરવા બદલ ચર્ચામાં છે. ફિલ્મમાં તે હોકી રમતી પણ જોવા મળશે.

ખાસ વાત એ છે કે અાલિયાને અત્યાર સુધીની ભૂમિકાઓમાં મેકઅપ અને સુંદર કપડાંઓમાં જોઈ છે, પરંતુ ‘ઊડતા પંજાબ’માં તે એકદમ રફ લુકમાં જોવા મળી રહી છે. ફિલ્મના જારી કરેલા મોશન પોસ્ટરમાં અાલિયા પોતાની ભૂમિકામાં ડૂબેલી દેખાય છે. તેને દોડતી બતાવાઈ છે. તેના માથા, હોઠ અને હાથ પર ઈજાનાં નિશાન દેખાય છે. તે ફિલ્મમાં ગામડાની છોકરીના રૂપમાં છે.

અા ફિલ્મ પંજાબમાં નશાની હાલત અંગે બનાવાઈ છે. ફિલ્મની કહાણી પંજાબના ડ્રગ કલ્ચરને સામે લાવશે. શા‌િહદ અને કરીના અા ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. અાલિયાએ અા ફિલ્મમાં ભજવેલો રોલ અત્યાર સુધી ક્યારેય ભજવ્યો નથી. •

You might also like