સંજય દત્તને ક્લિન ચીટઃ ૨૭ ફેબ્રુઆરીએ જેલમાંથી છૂટી જશે

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અને હાલ પુણેની યરવડા જેલમાં સજા કાપી રહેલ સંજય દત્તને રાજ્ય સરકારે ક્લિનચીટ આપતા હવે તે ૨૭મી ફેબ્રુઆરીના રોજ જેલમાંથી છૂટી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સશસ્ત્ર ધારા હેઠળ મળેલી સજા કાપવા માટે સંજય દત્ત હાલ પુણેની યરવડા જેલમાં બંધ છે. સંજય દત્તે પોતાના આ કારાવાસ દરમિયાન ફર્લોની રજા પર જેલની બહાર આવ્યા હતા અને પેરોલ પર પરિવાર સાથે રજાઓ મનાવી હતી. બે વખત ફર્લોની રજા સંબંધિત સંજય દત્તની અરજી મુંબઈ પોલીસ અને જેલ વહીવટી તંત્ર વચ્ચે અટવાઈ ગઈ હતી અને અરજી મંજૂર નહીં થતા સંજય દત્ત ફરીથી જેલમાં ચાલ્યા ગયા હતા.

ગૃહપ્રધાને જણાવ્યું હતું કે સંજય દત્તને ૧૪ દિવસની જેલમાંથી પેરોલ કરવામાં આ‍વી હતી. ૮ જાન્યુઆરીના રોજ આ પેરોલ પૂરી થતી હતી. એ દિવસે સૂર્યાસ્ત પહેલા જેલમાં પહોંચી જવાનું હતું. દરમિયાન તેમણે રજા લંબાવવા અરજી કરી હતી અને મંજૂર થશે એવા ભ્રમમાં ઘરે પાછા ચાલ્યા ગયા હતા. આ અંગેના વિવાદને લઈને સંજય દત્તની જેલની સજા લંબાવવી કે કેમ તે અંગે મામલો રાજ્ય સરકારમાં ગયો હતો અને રાજ્ય સરકારે ક્લીન ચીટ આપતા હવે સંજય દત્ત ૨૭મી ફેબ્રુઆરીએ જેલમાંથી છૂટી જશે.

You might also like