એક્ટિવા પર દારૂની હોમ ડિલિવરી કરવા જતા સેટેલાઈટના યુવકની ધરપકડ

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં એક્ટિવામાં દારૂની બોટલો મૂકી હોમ ડિલિવરી કરવા જતા યુવકની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. મોડી રાતે વસ્ત્રાપુર પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ એમ.એ.વાઘેલાની ટીમને બાતમી મળી હતી કે એક યુવક એક્ટિવામાં ત્રણ દારૂની બોટલ મૂકી વસ્ત્રાપુર લાડ સોસાયટી પાસેથી પસાર થવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. કાળા કલરના એક એક્ટિવા પર જતાં એક શખ્સને પોલીસે રોકી અને એક્ટિવાની ડેકીમાં તપાસ કરતા એક પૂઠાંનું ખોખું મળી આવ્યું હતું.પોલીસે ખોખું ખોલીને જોતાં અંદરથી ત્રણ દારૂની બોટલો મળી આવી હતી. એક્ટિવા ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ નેપાલસિંહ ચૌહાણ(ઉ.વ.23,રહે રણુંજાનગર-1, સેટેલાઈટ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે આરોપી નેપાલસિંહની ધરપકડ કરી અને આ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા જઇ રહ્યો હતો તેની પૂછપરછ શરૂ કરી છે.

રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે પણ સુભાષબ્રિજ રિવરફ્રન્ટ પાર અમૂલ પાર્લર નજીક હોન્ડા મેસ્ટ્રોમાંથી એક બિયરની બોટલ અને એક ક્વાર્ટર દારૂની બોટલ સાથે હર્ષિતકુમાર સુરાની (ઉ.વ.29, રહે.સુવાસ બિલ્ડિંગ,મણિનગર)ને ઝડપી લીધો હતો.
http://sambhaavnews.com/

You might also like