એક્ટિંગ તો હંમેશા ચાલુ જ રહેશેઃ ચિત્રાંગદા સિંહ

સુધીર મિશ્રા નિર્દેશિત ‘હજારો ખ્વાહિશે ઐસી થી’થી કારકિર્દી શરૂ કરનાર ચિત્રાંગદા સિંહ પોતાના અલગ અભિનય માટે જાણીતી રહી. ‘કલઃ યસ્ટર્ડે એન્ડ ટુમોરો’, ‘સોરી ભાઇ’ અને ‘બસરા’ જેવી ફિલ્મો બાદ ચિત્રાંગદાની તુલના સ્વ. સ્મિતા પાટીલ સાથે થવા લાગી હતી.

અક્ષયની ઓપોઝિટ ફિલ્મ ‘દેશી બોયઝ’થી તેણે પહેલી વાર કોમર્શિયલ સિનેમામાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં તેની સુંદરતા અને ગ્લેમર જોતાં જ તેને અલગ રોલ મળવા લાગ્યા. આ ફિલ્મથી સાબિત થયું કે ચિત્રાંગદા પોતાના દમદાર અભિનય, ગ્લેમર અને સુંદરતાના સહારે કોઇ પણ ફિલ્મ કરી શકે છે. ચિત્રાંગદાએ અત્યાર સુધી ઓછી ફિલ્મો કરી છે, પરંતુ તેને તેનો રંજ નથી. તેનું કહેવું છે કે તેને હંમેશાં સારાં પાત્રો ભજવવામાં રસ રહ્યો છે. જો તે એમ ન કરત તો આજે તેને જે ઓળખ મળી છે તે ન મળી હોત.

ચિત્રાંગદાનું કહેવું છે કે જો પાત્ર સારું હોય તો તે રિજનલ ફિલ્મો કરવા પણ તૈયાર રહે છે. ખાસ કરીને મરાઠી ફિલ્મોમાં કામ કરવાની લાલચ તેને રોકી શકતી નથી. તેનું કહેવું છે કે મરાઠી ભાષામાં આજકાલ ખૂબ જ સારું કામ થઇ રહ્યું છે.

ચિત્રાંગદા પ્રોડ્યૂસર તરીકે એક નવી શરૂઆત કરવા જઇ રહી છે. તે પૂર્વ ભારતીય હોકી કેપ્ટન સંદીપ સિંહની બાયોપિક પર આધારિત ‘સુરમા’ પ્રોડ્યૂસ કરી રહી છે, તેમાં દિલજિત દોસાંજ અને તાપસી પન્નુ લીડ રોલમાં છે. તે એક ફિલ્મ ભારતીય સેનાના બેક ડ્રોપ પર બનાવવાનું પણ વિચારી રહી છે.

જુલાઇ મહિનામાં ચિત્રાંગદાની ‘સાહબ, બીવી ઔર ગેંગસ્ટર-૩’ ફિલ્મ પણ રિલીઝ થશે. ‘હજારો ખ્વાહિશે ઐસી થી’ની સિક્વલમાં પણ તેના હોવાની ચર્ચા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઇ છે અને ગમે ત્યારે તેની ઓફિશિયલ જાહેરાત થઇ શકે છે. તેને નાના પરદા પર કામ કરવાનો મોકો પણ મળી ચૂક્યો છે, પરંતુ તેનું કહેવું છે કે મોટો પરદો તેની પહેલી પસંદ છે અને તેની એક્ટિંગની સફર હંમેશાં ચાલુ રહેશે.

You might also like