ઇન્ચાર્જ ટીડીઓની કાર-બાઇક વચ્ચે અકસ્માતઃ બેનાં મોત, ત્રણને ઇજા

અમદાવાદ: ભિલોડા-વિજયનગર રોડ પર ધોલવાણી નર્સરી પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ભિલોડા-વિજયનગર રોડ પર બનેલો બનાવ
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, ભિલોડા નજીક આવેલા ધનસોર ગામના ત્રણ યુવાનો બાઇક પર ભિલોડા તરફ જઇ રહ્યા હતા ત્યારે ભિલોડા-વિજયનગર રોડ પર ધોલવાણી નર્સરી પાસે સામેથી આવી રહેલી ભિલોડા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓની કાર સાથે બાઇક જોરદાર ધડાકા સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં હાર્દિક જગદીશભાઇ અસારી (ઉ.વ.૧૮), અમિત રઘજીભાઇ અસારી (ઉ.ર૦) આ બંને યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જ્યારે ધવલ અસારી સહિત ત્રણને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ બંને લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

You might also like