રાત્રે નોકરી પરથી પરત જતા બે યુવક પર એસિડથી હુમલો

અમદાવાદ: અમદાવાદ જિલ્લાનાં બદરખા ગામે રહેતા બે યુવકો મોડી રાત્રે નોકરી પરથી પરત ફરતા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખસે તેઓ પર એસિડ જેવો જવલનશીલ પદાર્થ છાંટી હુમલો કર્યો હતો. બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બાવળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બદરખા ગામમાં આવેલી વણકર સહકારી મંડળી પાસે નીલેશ દિનેશભાઇ સોલંકી (ઉ.વ.ર૬) અને તેમના મિત્ર નયનભાઇ મોડી રાત્રે કંપનીમાં નોકરી કરી ઘરે બાઇક લઇ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાનમાં પાછળથી બાઇક ઉપર ત્રણ અજાણ્યા શખસો આવ્યા હતા અને તેમની પાસે રહેલું એસિડ જેવું જ્વલનશીલ પદાર્થ બંને ઉપર ફેકયું હતું અને ફરાર થઇ ગયાં હતાં. અચાનક થયેલા હુમલાને કારણે બંને બાઇક પરથી નીચે પટકાયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ અંગે બાવળા પોલીસને જાણ કરાતાં બાવળા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. બાવળા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

You might also like