એસિડ એટેક પીડિતાનો રોંગ નંબર લાઈફનો રાઈટ નંબર બની ગયો

મુંબઈ: એક નાનકડી વાત પર પોતાના જ પિતરાઈ ભાઈ દ્વારા એસિડ હુમલાનો શિકાર બનેલી લલિતા બેનબંસી (ઉં.વ. ૨૬)એ પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. એક મિસ્ડ કોલે લલિતાને તેના જીવનસાથી રાહુલકુમાર (ઉં.વ. ૨૭) સાથે મુલાકાત કરાવી આપી છે. એસિડ એટેકનો ભોગ બનેલી લલિતાનાં રિસેપ્શનમાં બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય પહોંચ્યાે હતાે. તેણે લલિતાને એક ફ્લેટ ભેટ આપ્યો હતો.

૨૦૧૨માં લલિતાના પિતરાઈ ભાઈએ પારિવારિક વિવાદને લઈને તેના ચહેરા પર એસિડ ફેંક્યો હતો. ખરાબ રીતે જખમી થયેલી લલિતા પર ૧૭ સર્જરી કરવી પડી હતી અને ત્યાર બાદ તે સ્વસ્થ થઈ હતી. લલિત અને રાહુલે થાણેની કોર્ટમાં લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ મુંબઈમાં રિસેપ્શન યોજાયું હતું જેમાં એસિડ હુમલાની શિકાર બનેલી અન્ય યુવતીઓ પણ હાજર રહી હતી.

લલિતાનાં લગ્ન અંગે આશ્ચર્ય પમાડનારી હકીકત એ છે કે તેનાથી એક રોંગ નંબર ડાયલ થયો હતો, પરંતુ આ રોંગ નંબર લાઈફનો રાઈટ પાર્ટનર બની જશે તેનો તેને સ્વપ્નેય ખ્યાલ ન હતો. મલાડના ૨૭ વર્ષના સીસીટીવી ઓપરેટર રાહુલકુમારને ફોન લાગ્યો હતો. ત્યાર બાદ સતત બંને એક બીજાંને ફોન કરતા રહ્યાં હતાં.

બે મહિનામાં તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને આખરે આ પ્રેમી પંખીડાંએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. બંનેનાં પ્રેમની જાણ ઋષિકેશ કદમ નામના ઉદ્યોગપતિને થતાં તેમણે ઉદ્યમી મહારાષ્ટ્ર નામની સંસ્થા મારફતે બંનેનાં લગ્ન ગોઠવી દીધાં હતાં.
http://sambhaavnews.com/

You might also like