અભિનવે ઓલિમ્પિક બાદ નિવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ભારતના એકમાત્ર વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને દિગ્ગજ શૂટર અભિનવ બિન્દ્રાએ કહ્યું છે કે તે આગામી રિયો ઓલિમ્પિક બાદ પોતાની કરિયરની સમાપ્તિ કરશે. ઉલ્લેખનીય છે કે રિયો ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાની ભારતીય ધ્વજારોહક તરીકે પસંદી કરવામાં આવી છે. બીજિંગ ઓલિમ્પિક ૨૦૦૮ના ગોલ્ડ મેડલ વિજેતા ૩૩ વર્ષીય બિન્દ્રાએ કહ્યું કે તેની ૨૦ વર્ષ લાંબી કરિયર બહુ જ ખાસ રહી છે. બિન્દ્રા આ ‍વખતે પાંચમી વાર ઓલિમ્પિકમાં ભાગ લેશે.

બિન્દ્રાએ ટ્વિટર લખ્યું છે, ”૨૦ વર્ષની મારી રમત કરિયર તા. ૮ ઓગસ્ટે પૂરી થશે. આ કરિયર બહુ જ ખાસ રહી છે.” રિયો ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય ધ્વજારોહક તરીકે પસંદ થયેલા બિન્દ્રાએ આને સર્વોચ્ચ સન્માન જાહેર કહ્યું છે. બિન્દ્રાએ કહ્યું, ”ઓલિમ્પિકમાં ધ્વજારોહક બનવું એ ખેલાડીનું સર્વોચ્ચ સન્માન હોય છે. હું આભારી છું કે મને આ સન્માનને લાયક સમજવામાં આવ્યો. મને વિશ્વાસ છે કે જ્યારે અમે રિયો ઓલિમ્પિક સ્ટેડિયમમાં માર્ચ કરીશું તો અમને એક અબજથી વધુ લોકોનું સન્માન મળશે.”

You might also like