અમદાવાદ: શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાંથી રૂ.. ૧.૦૮ કરોડની ચોરીનાં મામલે ફરાર આરોપી નોમાનની ક્રાઈમ બ્રાંચે ઉત્તર પ્રદેશનાં બુલંદ શહેરમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. આરોપી નોમાન લૂંટ બાદ સાક્ષીઓ સાથે લૂંટના પૈસાનાં ભાગ પાડવા મુદ્દે ઝઘડા બાદ રાજન મારવાડીની હત્યા કરી પૈસા લઈ દિલ્હી ભાગી ગયો હતો અને ઉત્તર પ્રદેશનાં બુલંદમાં હથિયાર લઈ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચે તેની બુલંદ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે.
૧૧ ડિસેમ્બર-૨૦૧૫નાં રોજ કૃષ્ણનગર વિસ્તારમાંથી આઈસીઆઈસીઆઈ બેંકનાં એટીએમમાં પૈસા ભરવા ગયેલી કેશવાનના ડ્રાઈવર રવિ ચૌધરીએ રાજન મારવાડી, નોમાન રાજપૂત અને રફીક નામના શખસો સાથે ભેગા મળી કેશવાનની ચોરીનો પ્લાન લઈ અન્ય કારમાં પૈસા મૂકી ફરાર થઈ ગયા હતા. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી.
દરમિયાનમાં આરોપીઓ ચોરી બાદ બોટાદના ગઢડા ખાતે આરોપી રફીકનાં મિત્રના વાડીએ ગયાં હતાં જ્યાં પૈસા મુદ્દો ઝઘડો થયો હતો અને રવિ અને રાજનની હત્યા કરવામાં આવવાની હોઈ આરોપી રવિને ખ્યાલ આવતા તે ભાગી ક્રાઈમ બ્રાંચમાં હાજર થઈ ગયો હતો. જ્યારે રાજનની રફિક અને નોમાનની હત્યા કરી પૈસાની વહેંચણી કરી લીધી હતી.
આરોપી રફીક અને નોમાને રાજન હથોડી અને છરીનાં ઘા મારી હત્યા કરી નાખી હતી. રૂ. ૩૦ લાખ રફીક અને રૂ. ૮૦ લાખ નોમાને લઈ લીધા હતા બાદ નોમાન દિલ્હી ભાગી ગયો. બાદમાં રફીક બોટાદ એલસીબીનાં હાથ વેતમાં આવી ગયો હતો, પરંતુ ભાગી છૂટવામાં સફળ થયો હતો.
નોમાને દિલ્હી જઈ તેના મિત્રને ત્યાં રૂ. ૫૫ લાખ સંતાડી દીધા હતા. ૨૯મી ડિસેમ્બરે પોતે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં પોલીસ સમક્ષ દેશી તમંચા સાથે હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી હતી. દરમિયાનમાં ક્રાઈમ બ્રાંચને તેના પરિવારજનોની કોલ ડિટેઈલ્સનાં આધારે નોમાનની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી.