ભાવનગર-બોટાદ હાઇ-વે પરથી આરોપી રાજનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી

અમદાવાદ: રૂ.૧.૦૮ કરોડની ચોરી મામલો હવે લોહિયાળ બન્યો છે.આરોપી રાજન મારવાડીની ભાવનગર-બોટાદ હાઇ-વે પરથી હત્યા કરાયેલી લાશ મળી આવી છે.પાર્ટીના સ્થળથી ૩ કિ.મી દૂર મળી લાશ મળી આવતા નોમાન અને રફીક ઉર્ફે મુન્નાએ તેની હત્યા કરી હોવાની શકયતા છે. આરોપીઓ ચોરી બાદ જે કારમાં ભાગ્યા તે કાર પણ હાઇ-વે પરથી મળી છે.

ડ્રાઇવર રવિ ચૌધરી પોલીસ સમક્ષ હાજર થઇ જતાં આ મામલે અનેક ખુલાસા થયા છે. જેમાં પૈસાની વહેંચણી બાબતે ઝઘડામાં તેની અને તેના સાગરીત રાજન મારવાડીની અન્ય આરોપીઓ નોમાન અને રફીક ઉર્ફે મુન્નાએ હત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં તેના પર છરી વડે હુમલો કરતાં તે ભાગી છૂટયો હતો, પરંતુ રાજનનો પતો નહોતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજનને શોધવા સૌરાષ્ટ્રમાં ધામા નાખીને રાજન મારવાડીની શોધખોળ શરૂ કરી હતી.

લૂંટ બાદ આરોપીઓ ગઢડા ખાતે ઘનશ્યામની વાડીમાં જયાં દારૂ પીધો હતો તેની આસપાસના સ્થળે તપાસ કરતા ભાવનગર-બોટાદ હાઇ-વે પર ઘનશ્યામની વાડીથી ૩ કિ.મી દૂર રાજન મારવાડીની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.  બીજી તરફ મોહંમદ નોમાન અને રફીક ઉર્ફે મુન્નો કાઠિયાવાડી બ્ને પણ હજુ સુધી ફરાર હોવાથી તેઓને શોધવા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના કરાઇ છે.

ક્રાઇમ બ્રાન્ચ એસીપી કે. એન. પટેલે જણાવ્યું હતું કે બે આરોપીઓ હાલમાં ફરાર છે.જેથી તેઓને ઝડપી લેવા માટે તમામ પ્રકારનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ઇલેકટ્રોનિક સર્વેલન્સ, બાતમીદારો અને લોકલ પોલીસની પણ મદદ લઇ ટીમોને અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવી છે. આરોપીઓ ગઢડા ખાતે ઘનશ્યામની વાડીમાં ગયા હતા. જયાં દારૂ પીધો હતો અને પૈસાની વહેંચણી બાબતે તમામ વચ્ચે ઝઘડો થતાં રફીક અને નોમાને બંને પર હુમલો કરી રાજન અને રવિની હત્યા કરવાની કોશિશ કરી હતી.

You might also like