કર્ણાટક ચૂંટણીઃ સટ્ટાબજારનાં અનુમાન અનુસાર ભાજપ સૌથી મોટો પક્ષ બનશે

બેંગલુરુ: દેશની તમામ ન્યૂઝ ચેનલો પર કર્ણાટકના ચૂંટણી જંગમાં કોનો વિજય થશે તેના પર સર્વે કરવામાં આવી રહ્યા છે. એવામાં સટ્ટાબજારમાં પણ કર્ણાટકની ચૂંટણીને લઈને ભારે હલચલ ચાલી રહી છે. સટ્ટાબજારના અનુમાન અનુસાર આ વખતે કર્ણાટકમાં કાંટાની ટક્કર છે.

સટ્ટાબજારના અનુસાર કર્ણાટકના ચૂંટણી જંગમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે તો કોંગ્રેસ માત્ર થોડી બેઠકો પર પાછળ રહીને બીજા ક્રમાંકે રહેશે અને જનતા દળ (એસ) ત્રીજા નંબરે રહીને કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે.

સટ્ટાબજારનું માનવું છે કે કર્ણાટકમાં કોઈપણ પક્ષ પોતાની એકલી તાકાત પર સરકાર રચી નહીં શકે. સટ્ટાબજારના આંકડા અનુસાર ભાજપ ૯૨થી ૯૪ બેઠકો પર વિજય મેળવશે. કોંગ્રેસને ૮૯થી ૯૧ વચ્ચે બેઠકો મળશે. જ્યારે જનતા દળ (એસ) ૩૨થી ૩૪ બેઠકો જીતી શકે તેમ છે. રાજ્યમાં કુલ બેઠકો ૨૨૪ છે અને બહુમતી માટે ૧૧૩ બેઠકોની જરૂર છે.

સટ્ટાબજારમાં એક બુકીએ જણાવ્યું છે કે સટ્ટાબજારના આ આંકડા સેશનના આંકડા છે એટલે કે જો કોઈ વ્યક્તિ ભાજપના ૯૨ બેઠકો જીતવા પર એક લાખ રૂપિયા લગાવે છે અને ભાજપ ૯૨ અથવા તેનાથી ઓછી બેઠકો લાવે છે તો પૈસા લગાવનાર સટ્ટાબાજને એક લાખના બે લાખ રૂપિયા મળશે, પરંતુ જો ભાજપ ૯૩થી કે તેથી વધુ બેઠકો મળશે તો તે વ્યક્તિ હારી જશે.

જો કોઈ વ્યક્તિ ભાજપ દ્વારા ૯૪ બેઠક જીતવા પર રૂ. એક લાખનો સટ્ટો રમે અને ભાજપ ૯૪ કે તેનાથી વધુ બેઠકો લાવે તો સટ્ટો રમનારને રૂ. એક લાખના રૂ. બે લાખ મળશે, પરંતુ ભાજપ ૯૩થી ઓછી બેઠકો જીતે તો સટ્ટો રમનાર હારી જશે.

આજ રીતે કોંગ્રેસ પર સટ્ટો લગાવવામાં આ‍વી રહ્યો છે. બુકીઓના આંકડા અનુસાર ભાજપ દ્વારા ૧૦૦ બેઠકો જીતવાનો ભાવ રૂ. ૨.૫૦ છે એટલે કે એક રૂપિયો લગાવવા પર રૂ. ૨.૫૦ મળશે.

મિશન ૧૧૩ હાંસલ કરવાનો ભાવ રૂ. ૫.૨ છે. એ જ રીતે કોંગ્રેસ દ્વારા ૧૦૦ બેઠકો જીતવાનો ભાવ રૂ. ૩.૪ અને બહુમતી હાંસલ કરવાનો ભાવ રૂ. ૬.૧ છે.

You might also like