પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીનાં ઈલેક્ટ્રિક ટ્રેક પર ટ્રેન ટી-૧૮ની ટ્રાયલ ચાલી રહી હતી ત્યાં હાઈ વોલ્ટેજનાં કારણે ટ્રેનનાં કેટલાંય ભાગો સળગીને ખાખ થઈ ગયાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત બાદ ટી-૧૮ ટ્રેનને ઈલેક્ટ્રિક એન્જિન લગાવીને ચેન્નઈથી દિલ્હીનાં સફદરગંજ સ્ટેશન પર પહોંચાડી દીધી છે. આમ, રેલ્વેનાં મહત્વાકાંક્ષી ઈન્ટરનેટ સિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેનને ટ્રાયલ દરમ્યાન મોટો ફટકો પહોંચ્યો છે.

રિજનરેશન ટેસ્ટ દરમિયાન હાઈ વોલ્ટેજ આવી જવાનાં કારણે ટ્રેનનાં ઈલેક્ટ્રિકલ અને અન્ય પાર્ટ્સ સળગીને ખાખ થઈ ગયાં છે. એટલું જ નહીં હાઈ વોલ્ટેજનાં કારણે બાજુમાં ઊભેલા બે એન્જિન અને એક ઈએમયુ સુધી નુકસાન થયું છે. આ ઘટનામાં એસએમટી સર્કિટને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ અકસ્માત પર ભીનું સંકેલવા માટે ઈલેક્ટ્રિકલ એન્જિન લગાવી ટી-૧૮ ટ્રેનને ચેન્નઈથી દિલ્હીનાં સફદરજંગ સ્ટેશન પર પહોંચાડવામાં આવી હતી. આ ટ્રેનની અંદર જવા માટે કોઈને મંજૂરી આપવામાં આવી ન હતી, કારણ કે નુકસાન થયેલાં પાર્ટ્સને બદલવાનાં હજુ બાકી છે.

રેલ્વે મંત્રાલયનો પ્રયાસ છે કે ટ્રેનને કોઈ પણ સંજોગોમાં આ વર્ષે ટ્રેક પર દોડાવવામાં આવે. જો કે આ પ્રોજેક્ટ હવે ઘણો લેટ થઈ ચૂક્યો છે. ટ્રેનની ટ્રાયલ દરમ્યાન 4 અને 5 નવેમ્બર વચ્ચે ચેન્નઈ ડિવિઝનનાં અનનાનગર પાસે અકસ્માત થયો હતો. આ માટે ટ્રાયલ સાથે સંકળાયેલા વિભાગની ગંભીર ભૂલ હોવાનું કહેવાય છે. ટ્રાયલ ફેલ થવાની ઘટનાએ રેલ્વે અધિકારીઓની ઊંઘ ઊડાડી દીધી છે.

You might also like