અકસ્માતોની વણજારઃ દંપતી, માતા-પુત્રી, સહિત દસ વ્યક્તિનાં મોતઃ ૧૫ને ઈજા

અમદાવાદઃ રાજ્યના જુદા જુદા હાઈવે પર અકસ્માતોની વણજાર સર્જાઈ છે જેમાં દંપતી અને માતા-પુત્રી, સહિત દસ વ્યક્તિના મોત થયાં હતાં. જ્યારે ૧૫થી વધુ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અા અંગેની વિગત એવી છે કે અંક્લેશ્વર નેશનલ હાઈવે પર ટેમ્પોએ બાઈકને અડફેટે લેતાં બાઈક પર જઈ રહેલ દંપતીનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. જસદણ-વીરનગર રોડ પર કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં જયરામભાઈ અને પ્રવીણભાઈ નામના બે અાધેડનાં મોત થયાં હોવાનું અને ચાર વ્યક્તિને ઈજા થયા હોવાનું જાણવા મળે છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા પાસે કનૈયા હોટલ નજીકથી પુરઝડપે પસાર થઈ રહેલા ટેલરે એક્ટિવાને હડફેટે લેતાં એક્ટિવા પર જઈ રહેલ પરિવાર પૈકી માતા-પુત્રીનાં મોત થયાં હતાં જ્યારે ભાવેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અા ઉપરાંત જામનગર-દ્વારકા રોડ પર ધ્રેવાડ ગામ પાસે દ્વારકા દર્શને જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અા અકસ્માતમાં ઘનશ્યામભાઈ અને ધન્વીનું મોત થયું હતું જ્યારે પાંચ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. ઊના-દિવ રોડ પર પાણીના ટેન્કરે બાઈકચાલકને અડફેટે લેતાં બે યુવાનોના મોત થયાં હતાં જ્યારે એકને ઈજા પહોંચી હતી. પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com

You might also like