કન્ટેનરચાલકને ઝોકું અાવી જતાં ગમખ્વાર અકસ્માતઃ બે વ્યક્તિનાં મોત, બેને ઈજા

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત અને બેને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક વહેલી સવારે એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું ત્યારે કન્ટેનરના ચાલકને ઝોકું અાવી જતાં કન્ટેનર ડિવાઈડર કૂદીને રોંગસાઈડમાં અાવી ગયું હતું અને સામેથી અાવી રહેલી અાઇશર ગાડી સાથે અથડાતાં અા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અાઇશરના ચાલક બબલુભાઈ દશારામ અને અમરસંગ દેવરે અા બંનેનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ થઈ હતી.અા અકસ્માતના કારણે રાજકોટ-અમદાવાદ હાઈવે પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઈ જતાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ ભારે જહેમત બાદ ટ્રાફિક વ્યવસ્થા રાબેતા મુજબ કરી હતી.

અા ઉપરાંત નેશનલ હાઈવે નં. ૮ પર અંક્લેશ્વર નજીક અમૃતપુરાના પાટિયા પાસેથી પુરઝડપે પસાર થઈ રહેલ ટ્રકે એક બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં બાઈક પર બેઠેલ ત્રણ યુવાન પૈકી નિતેશ બાબુભાઈ રાઠોડ અને નીલેશ જીતુભાઈ નામના બે યુવાનોને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ બંને લાશને પીએમ માટે મોકલી અાપી હતી.

You might also like