ચંદ્રભાગા બ્રિજ પર ટ્રકની ટક્કરથી સીએના વિદ્યાર્થીનું મોત

અમદાવાદ: શહેરમાં બેફામ રીતે વાહનો ચલાવી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દિવસના સમયે શહેરની અંદર ભારે વાહનોને પરમિશન આપી દેવાતાં હવે તેના કારણે ટ્રાફિક અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગત બપોરે વાડજના ચંદ્રભાગાબ્રિજ પર એક્ટિવા પર જતા યુવકને ટ્રકચાલકે ટક્કર મારતાં યુવકનું મોત થયું હતું. આ અંગે વાડજ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી મ‌ાહિતી મુજબ સુભાષ‌િબ્રજ-કેશવનગર પાસે આવેલ જાનકી ફલેટમાં જિતેન્દ્રકુમાર પંચાલ પોતાના પરિવાર સાથે રહે છે. જિતેન્દ્રકુમારનો રર વર્ષીય પુત્ર દીપેન પંચાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતો હતો. ગઇ કાલે બપોરે ર-૩૦ના સુમારે દીપેન એક્ટિવા લઇ વાડજના ચંદ્રભાગાબ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો.

દરમ્યાનમાં પુરપાટ ઝડપે આવેલા એક ટ્રકચાલકે દીપેનના એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી તેના શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ગઇ કાલે સાંજે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે પોલીસને જાણ થતાં વાડજ પોલીસ દોડી આવી હતી. વાડજ પોલીસે આરોપી ટ્રકચાલકની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ દીપેન બેન્કમાંથી રૂ.ર૪,૦૦૦ ઉપાડીને લાવ્યો હતો, જે રૂપિયા અકસ્માત બાદ ગાયબ થઇ ગયા હતા. આ અંગે તપાસ હાથ ધરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like