અકસ્માતોની વણઝારઃ એકનું મોત, ૧૫ને ઈજા

અમદાવાદ: શહેરમાં ગત રા‌તથી લઇ વહેલી સવાર સુધીમાં ત્રણ અકસ્માતના બનાવ બન્યા છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ૧પ જેટલા લોકોને સામાન્ય ઇજા થવા પામી છે. શહેરમાં વાહનચાલકો બેફામ બન્યા છે. આવા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસનો કોઇ પણ અંકુશ રહ્યો નથી, જેથી આવા બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે તવેરા કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા નવ લોકોને નાની-મોટી ઇજા થતાં ૧૦૮ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આનંદનગર વિસ્તારમાં રહેતાં ઊર્મિલાબહેન હસમુખભાઇ શાહ, ઇન્દુબહેન અ‌િજતકુમાર શાહ, વિલાસ ભાવિકભાઇ શાહ, મયૂરી કેતનભાઇ શાહ, આકાશ સુરેશભાઇ શાહ અને કેતન હસમુખભાઇ શાહ તવેરા કારમાં ગુલાબ ટાવરથી જઇ રહ્યાં હતાં ત્યારે પુરપાટ ઝડપે આવેલા એક ડમ્પરચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ લોકો ભેગા થઇ ગયા હતા અને ડમ્પરચાલકને ઝડપી લીધો હતો. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજી તરફ ગત મોડી રાતે નારણપુરાના સુંદરનગર ખાતે રહેતો કેતુલ તલસાણી (ઉ.વ.ર૧) યેશા અને ફોરમ નામની યુવતીઓ સાથે કેશવબાગ નજીક હિંમતલાલપાર્ક બીઆરટીએસ બસસ્ટેન્ડ સામે ઊભો હતો. દરમ્યાનમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સત્યાગ્રહ છાવણીમાં રહેતો હાર્દિક ગજેરા (ઉં.વ.રપ) નામનો યુવક પુરપાટ ઝડપે કાર લઇને આવ્યો હતો અને કાર પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી ગઇ હતી અને બીઆરટીએસ બસસ્ટેન્ડ સામે ઊભેલાં કેતુલ, યેશા અને ફોરમ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં અન્ય એક દંપતીને પણ ટક્કર વાગતાં તેઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ યેશા નામની યુવતીના પગે એટલી ગંભીર ઇજા થવા પામી છે કે યુવતીનો પગ કાપવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. અન્ય બે વ્યક્તિને પણ પગ અને મોઢાના ભાગે ઇજા થવા પામી છે. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારચાલક આરોપી હાર્દિક ગજેરાની ધરપકડ કરી છે.

શહેરના નરોડા વિસ્તારમાં મોડી રાતે પુરઝડપે પસાર થઇ રહેલી કારના ચાલકે મકાનની બહાર બેઠેલ દંપતીને હડફેટમાં લીધા બાદ કારને મકાનમાં ઘુસાડી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે તેની પત્નીને પગમાં ફ્રેક્ચર થયું છે. કારની સ્પીડ એટલી વધારે હતી કે મકાનની ઓસરી તેમજ બાથરૂમ પણ તૂટી ગયું હતું. અકસ્માત બાદ કારચાલક સહિત કારમાં બેઠેલા 3 યુવક ફરાર થઇ ગયા છે.

નરોડા વિસ્તારમાં આવેલ રામદેવનગરનાં છાપરાંમાં રહેતા અશોકભાઇ કાંતીભાઇ પઢિયારે નરોડા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગઇ કાલે મોડી રાતે સાડા અગિયાર વાગ્યાની આસપાસ અશોકભાઇના પિતા કાંતિભાઇ, માતા શાંતાબહેન અને ભાઇ વિષ્ણુ ઓસરીમાં બેઠા હતા તે સમયે પુરઝડપે કાર લઇને આવેલા ચાલકે પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર મકાનમાં ઘૂસી ગઇ હતી.

અકસ્માતની આ ઘટનામાં કાંતિભાઇ અને શાંતાબહેનને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ કાંતિભાઇને મૃત જાહેર કર્યા હતા. ફરિયાદી અશોકભાઇ પઢિયારે જણાવ્યું છે કે મોડી રાતે પડોશમાં રહેતા લક્ષ્મણભાઇ બીમાર હોવાથી તેમની ખબર કાઢવા માટે ગયો હતો તે સમયે નરોડાથી દહેગામ જવાના રોડ પર પુરઝડપે વેગનાર કાર લઇને એક યુવક આવ્યો હતો ડ્રાઇવર સાથે અન્ય 3 યુવક પણ કારમાં બેઠા હતા.

કાર ચાલકે પોતાની સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેણે અમારાં છાપરાંમાં કાર ચઢાવી દીધી હતી. છાપરાની બહાર કાંતિભાઇ ખાટલામાં બેઠા હતા અને શાંતાબહેન વાસણ ધોતાં હતાં તે સમયે કારે તેમને હડફેટે લીધાં હતાં અને ઓસરીની દીવાલો તોડી નાખી હતી. સૌપ્રથમ કારચાલકે કાંતિભાઇને હડફેટમાં લેતાં તેઓ ઉછળીને રોડ પર પટકાયા હતા ત્યારબાદ શાંતાબહેનને ટક્કર વાગી હતી અને તેમના પગમાં ઇજા પહોંચી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે છાપરાની દીવાલ અને બાથરૂમ પણ તૂટી ગયું હતું.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સહિત યુવકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. સ્થાનિકો તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કાંતિભાઇ અને શાંતાબહેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા અનુસાર તમામ યુવકો દારૂના નશામાં હતા. નરોડા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ મોડી રાતે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાર ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like