બુટલેગરની દારૂ ભરેલી કારે બાઈકને હડફેટે લેતાં પતિનું મોતઃ પત્ની ગંભીર

અમદાવાદ, બુધવાર
વલસાડના કૂંડી ફાટક નજીક બુટલેગરની દારૂ ભરેલી કારે બાઇક સવાર દંપતીને હડફેટે લેતાં બાઇક સવાર દંપતી નીચે પટકાતા ગંભીર ઇજા થવાના કારણે પતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ બુટલેગર કાર લઇને નાસી છૂટ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે વલસાડ સિટીના કૂંડી ફાટક નજીકથી સાંજના સુમારે એક દંપતી બાઇક પર પસાર થઇ રહ્યું હતું ત્યારે વલસાડના પ્રખ્યાત બુટલેગર દારૂ ભરેલી કાર સાથે પુરઝડપે પસાર થઇ રહ્યો હતો.

આ બુટલેગરની કારે બાઇકને હડફેટે લેતાં બાઇક સવાર પતિ-પત્ની નીચે જમીન પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે પતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચતા વલસાડની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

અકસ્માત સર્જી બુટલેગર પોતાની ગાડી પુરઝડપે હંકારી નાસી છૂટ્યો હતો. આ કારમાં દારૂ ભરેલો હોઇ અકસ્માત થતાં જ દારૂની બોટલો પણ નીચે પડી ગઇ હતી. વલસાડ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી નાસી છૂટેલા બુટલેગરની સઘન શોધખોળ શરી કરી છે, પરંતુ હજુ સુધી તેનો કોઇ પતો લાગ્યો નથી.

You might also like