લકઝરી બસે ટક્કર મારતાં બાઇક સવારનું મોતઃ ટોળાંએ પથ્થરમારો કરતાં અફરાતફરી

અમદાવાદ, બુધવાર
અમદાવાદ-મહેસાણા હાઇવે પર પાલાવાસણા ચોકડી પાસે પુરઝડપે જતી લકઝરી બસે બાઇકસવારને અડફેટે લેતા બાઇકસવારનું મોત થયું હતું. આ બનાવના પગલે એકત્ર થયેલા ટોળાંએ બસ પર જોરદાર પથ્થરમારો કરી બસને સળગાવવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા-પાલાવાસણા ચોકડી પાસે ગઇ મોડીરાત્રે પસાર થઇ રહેલી લકઝરી બસે બાઇકને અડફેટે લેતા મહેસાણાના એક યુવાનનું મોત થયું હતું. બનાવના પગલે લોકોનાં ટોળેટોળાં એકત્ર થયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ બસ પર જોરદાર પથ્થરમારો કરી બસના કાચ ફોડી નાખ્યા હતા. ટોળું બસ સળગાવે તે પહેલાં આવી પહોંચેલી પોલીસે ત્વરીત પગલાં ભરી ટોળાંને વિખેરી નાખી મામલો થાળે પાડ્યો હતો.

બસ પર પથ્થરમારો થતાં મુસાફરો ભયભીત થઇ ગયા હતા આ અકસ્માતમાં માર્યા ગયેલાનું નામ મહેન્દ્ર ઓડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લકઝરી બસના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like