ભડિયાદ દર્શન કરી કારમાં પરત ફરતા મિત્રોને અકસ્માતઃ એકનું મોત, ત્રણ ગંભીર

અમદાવાદ: તારાપુર-વટામણ હાઇવે પર હોટલ ફાઉન્ટન નજીક કાર ઓવરટેક કરવા જતા ટ્રક સાથે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર મિત્રો પૈકી એકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ત્રણની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ પાસે આવેલા હાડગુડ ખાતે સવાબે ફળિયામાં રહેતો રપ વર્ષીય સોહિલ કમલોદ્દીન સૈયદ નામનો યુવાન તેના ત્રણ મિત્રો રિયાઝ અલી લિયાકત અલી સૈયદ, સાજીદ હુસેન ઇકબાલ હુસેન સૈયદ અને સિદીકઅલી ઇનાયતઅલી સૈયદ સાથે કારમાં બેસી પીર ભડિયાદ દર્શન કરવા ગયા હતા.

આ ચારેય મિત્રો દર્શન કરી કારમાં આણંદ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે તારાપુર-વટામણ હાઇવે પર ચોકડી નજીક ફાઉન્ટન હોટલ પાસેથી કાર પસાર થતી હતી ત્યારે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતા કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા આ અકસ્માત થયો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજા પહોંચતા તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના પગલે વટામણ ચોકડી પાસે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like